05 September, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટ
વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટની દુર્ઘટના બાદ વસઈ–વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)એ ૧૪૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લીધો છે. ગણેશોત્સવ બાદ ૮ સપ્ટેમ્બરથી આ ઇમારતો પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ૫૦ સભ્યોની ડિમોલિશન સ્ક્વૉડ આ કાર્યવાહી હાથ ધરશે એમ VVMCના અધિકારી જણાવ્યું હતું. એમાં પાંચ-પાંચ સભ્યોની ટીમમાં એન્જિનિયર અને કૉન્ટ્રૅક્ટરોનો સમાવેશ થશે. ગયા અઠવાડિયે ગેરકાયદે રમાબાઈ અપાર્ટમેન્ટની એક વિંગ તૂટી પડતાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારથી VVMCએ ગેરકાયદે ઇમારતો સામે કડક પગલાં લીધાં છે.
મલાડ-વેસ્ટમાં સોમવારી બજાર, ઉદેરાય માર્ગ પર આવેલા ફટાકડાના એક ગોડાઉનમાં ગઈ કાલે સાંજે ૭.૦૪ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. ધડાકાભેર આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આવી ગયેલા ફાયર-બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં ફટાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
આવતી કાલે અનંત ચતુર્દશી નિમિત્તે ગણપતિદાદાને વિદાય આપવાની તૈયારીઓ ગિરગામ ચોપાટી પર જોરમાં ચાલી રહી છે. તસવીર : શાદાબ ખાન