ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓની મદદે ‌વિરારના કચ્છીઓ આવ્યા

05 September, 2019 08:02 AM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓની મદદે ‌વિરારના કચ્છીઓ આવ્યા

વસઈ-‌વિરાર, પાલઘરમાં ર‌‌‌વિવારથી પડી રહેલા વરસાદનું જોર ગઈ કાલે ખૂબ જ વધ્યું હતું. જેને કારણે લાંબા અંતરની ટ્રેનો પણ રેલવે ટ્રૅક પર કલાકો ઊભેલી જોવા મળી હતી. જ્યારે ગુજરાત, કચ્છ વગેરેથી આવી રહેલી લાંબા અંતરની ટ્રેનો ‌વિરાર રેલવે-સ્ટેશન પાસે ટ્રૅક પર કલાકો સુધી ઊભેલી જોવા મળી હતી, જેના કારણે પ્રવાસીઓની કફોડી હાલત થઈ રહી હતી. જોકે આવી હાલતમાં તેમને મદદ કરવા માટે ‌‌વિરારના કચ્છીઓ દર વર્ષની આ વર્ષે પણ ખડે પગે ઊભા રહીને મદદે આવ્યા હતા. 

આ ‌વિશે સંપૂર્ણ મા‌હિતી આપતાં શ્રી ‌વિરાર કચ્છી વીસા ઓસવાળ જૈન સેવા સમાજના અધ્યક્ષ તરુણ વોરાએ ‌મિડ-ડેને કહ્યું હતું કે ‘ટ્રેનમાં અટવાયેલા પ્રવાસીઓ માટે ફૂડ પૅકેટ્સ તૈયાર કરવામાં આવ્યાં હતાં. ખમણ, ખાખરા, થેપલાં, કચોરી, પાણીની બૉટલ, ‌બિસ્ક‌િટ, વઘારેલા ભાત વગેરે પૅકેટ્સ તૈયાર કરીને પ્રવાસીઓને આપવામાં આવ્યાં હતાં. તેમ જ ‌‌‌વિરારની આગળ ટ્રેન જતી ન હોવાથી લાંબા અંતરની ટ્રેનોમાં અટવાયેલા પ્રવાસીઓની સુ‌વિધા માટે સ્ટેશનની પાસે આવેલા વેસ્ટના શ્રી સંભવનાથ જૈન મં‌દિર અને વર્ધમાન જૈન સ્થાનક ઉપાશ્રયમાં રહેવાની અને જમવાની સુ‌વિધા કરી હતી.

આ પણ વાંચો: બે મહિનામાં વરસાદે મુંબઈને ચોથી વાર ધમરોળ્યું

મોટી સંખ્યામાં લોકો અહીં રહેવા આવ્યા હતા. પ્લૅટફૉર્મ પર બપોરે બાર વાગ્યાથી ૨૫ જેટલા જૈન ભાઈઓ કામે લાગ્યા હતા અને રહેવાની સગવડ કરી ત્યાં ૩૫ જેટલા કાર્યકર્તાઓ મદદે આવ્યા હતા. ‌વિ‌વિધ રેલવે-સ્ટેશનો પર ‌વિરારમાં રહેવાની સગવડ ‌વિશે રેલવે પ્રશાસન દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. રેલવે પ્રશાસને પણ અમારા કામની સરાહના કરી હતી.’

mumbai rains mumbai gujarati mid-day