09 September, 2025 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈમાં રહેતા ૮૧ વર્ષના વૃદ્ધે તેની ૭૪ વર્ષની પત્નીના કાંડાની નસ કાપીને હત્યા કર્યા બાદ પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ વસઈમાં દીકરા સાથે રહેતા દંપતીએ શનિવારે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમનો દીકરો ઘરની બહાર ગયો ત્યારે ઘર અંદરથી બંધ કરીને વૃદ્ધે પહેલાં તેની પત્નીના હાથની નસ કાપી હતી અને પછી પોતાના હાથની નસ કાપી હતી. જ્યારે તેમનો દીકરો ઘરે પાછો આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું. તે દરવાજો તોડીને અંદર ગયો ત્યારે તેની મમ્મી લોહીના ખાબોચિયામાં પડી હતી અને પપ્પાને પણ ગંભીર ઈજા થઈ હતી. બન્નેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી અને પુરુષની સારવાર ચાલુ છે.
પોલીસને શંકા છે કે પત્ની લાંબા સમયથી બીમાર રહેતી હોવાથી કંટાળીને તેના પતિએ બન્નેનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હશે. પોલીસ ૮૧ વર્ષના પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.