કિશોરો માટે રસીકરણ ઝુંબેશ મિશન મોડમાં ચલાવો

10 January, 2022 10:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મહત્ત્વની એક વર્ચ્યુઅલ મીટિંગ કરી, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

સમગ્ર દેશમાં કોરોનાના કેસ એ રીતે વધી રહ્યા છે કે આઉટ ઑફ કન્ટ્રોલ સ્થિતિ થવાનું જોખમ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મહત્ત્વની એક વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા તેમ જ સિનિયર સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. રેલવે બોર્ડના વડા તેમ જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરી પણ આ મીટિંગમાં હાજર હતા. લગભગ ત્રણ કલાક સુધી આ મીટિંગ ચાલી હતી.
વળી આજથી દેશમાં હેલ્થકૅર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા સિનિયર સિટિઝન્સ માટે ત્રીજો ‘પ્રિકોશનરી’ વૅક્સિન ડોઝ આપવાનું શરૂ થશે. ૧૫થી ૧૮ વર્ષના એજ ગ્રુપના કિશોરો માટે ગયા અઠવાડિયાથી વૅક્સિનેશન શરૂ 
થયું છે. વડા પ્રધાને કિશોરો માટેની રસીકરણ ઝુંબેશ મિશન મોડમાં ચલાવવા જણાવ્યું છે. 
તેમણે મીટિંગમાં જણાવ્યું હતું કે આ મહામારી વિરુદ્ધની લડાઈમાં કોરોનાના નિયમોનું પાલન કરવા પર સતત ફોકસ કરતા રહેવું અત્યંત જરૂરી છે. કોરોના સતત ઇવોલ્વ થઈ રહ્યો હોવાના કારણે ટેસ્ટિંગ, વૅક્સિન્સ, દવાઓ અને જિનોમ સીક્વન્સિંગમાં સતત રીસર્ચ કરવાની જરૂર છે. 
વડા પ્રધાને જિલ્લાઓમાં યોગ્ય આરોગ્યમાળખા માટે હાકલ કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોરોનાના કેસને ડીલ કરવાની સાથે કોરોના સિવાયની બીમારીઓના દરદીઓની સારવાર પણ સુનિશ્ચિત કરવી જોઈએ. 
૨૪ ડિસેમ્બરે દેશમાં ઓમાઇક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઈ એ પછીથી વડા પ્રધાનની આ પહેલી કોરોના સમીક્ષા મીટિંગ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. વળી સેંકડો ડૉક્ટર્સ અને હેલ્થકૅર વર્કર્સ પણ આ વાઇરસથી સંક્રમિત થઈ રહ્યા છે. 
દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચિંતાની વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં માત્ર બાવન ટકા લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે. 

હવે મુખ્ય પ્રધાનો સાથે બેઠક થશે

વડા પ્રધાને આ સમીક્ષા બેઠકમાં એમ પણ જણાવ્યું હતું કે જુદાં-જુદાં રાજ્યોની ચોક્કસ સ્થિતિ તેમ જ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર વિશે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાનો સાથે એક મીટિંગ કરવામાં આવશે. આ મીટિંગમાં તેમણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંકલન પર ખાસ ભાર મૂક્યો હતો.

1,59,632
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

5,677
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

3,623
ભારતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.

204
ગુજરાતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.

national news narendra modi coronavirus covid19