રાજ્યના ઉદ્યોગ ગુજરાતમાં જતા હોવાના વિપક્ષના બળાપા વચ્ચે યોગીએ માર્યો વધુ એક ફટકો

06 January, 2023 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈકાલે બે દિવસની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને ૧૭ લાખ કરોડના ટાર્ગેટની સામે પહેલા જ દિવસે ઉદ્યોગપતિઓ પાસેથી ૧૦ લાખ કરોડનાં કમિટમેન્ટ્સ મળી ગયાં. યુપીમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવાની ચર્ચાઓ વચ્ચે બૉલીવુડના માંધાતાઓને પણ આદિત્યનાથ મળ્યા

ગઈ કાલે મુંબઈમાં ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે યોગી આદિત્યનાથ.

મુંબઈ : ઉત્તર પ્રદેશને ગ્લોબલ રાજ્ય બનાવવાના પ્રયાસના ભાગરૂપે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઈની બે દિવસની મુલાકાતે છે. તેમણે ગઈ કાલે બૉલીવુડથી લઈને અનેક ઉદ્યોગપતિઓની મુલાકાત લીધી ત્યારે હિન્દુત્વની છબિ ધરાવતા યોગીજીની આર્થિક નીતિની ચર્ચા થતી જોવા મળી હતી. યોગી આદિત્યનાથે યુપી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવા આકર્ષવા માટે અંબાણી અને અદાણીથી લઈને બિરલા ગ્રુપ, પીરામલ ગ્રુપ સહિતના ઉદ્યોગપતિઓ તેમ જ ફિલ્મ પ્રોડક્શન હાઉસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન મુંબઈમાં છે ત્યારે તેઓ મુંબઈના ઉદ્યોગ ઉત્તર પ્રદેશ લઈ જવા માટે આવ્યા હોવાનો હોબાળો વિરોધ પક્ષોએ ગઈ કાલે મચાવ્યો હતો.

ગ્લોબલ ઉત્તર પ્રદેશ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગઈ કાલે કોટક મહિન્દ્ર બૅન્કના સીઈઓ ઉદય કોટક અને એસબીઆઇના અધ્યક્ષ દિનેશ ખારા સહિતના બૅન્કરોને મળ્યા હતા. આ સિવાય તેમણે મોટા ઉદ્યોગપતિ ગ્રુપના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. અદાણી ગ્રુપના કરણ અદાણી, અંબાણી ગ્રુપના મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, હીરાનંદાની ગ્રુપના ડૉ. નિરંજન હીરાનંદાની, જેએસડબ્લ્યુ ગ્રુપના સજ્જન જિંદલ, પીરામલ ગ્રુપના અજય પીરામલ વગેરેને તેઓ મળ્યા હતા.

મુંબઈની બે દિવસની મુલાકાત દરમ્યાન યોગી આદિત્યનાથે ૧૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ ઉત્તર પ્રદેશમાં લાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી ગઈ કાલે પહેલા દિવસે ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

યોગી આદિત્યનાથે ગઈ કાલે રોડ-શો કર્યા બાદ આયોજિત કરવામાં આવેલી સભામાં કહ્યું હતું કે ‘ગેરકાયદે કામ કરનારા લોકોનાં ઘર પર અથવા બાંધકામ પર ઉત્તર પ્રદેશમાં ડાયરેક્ટ બુલડોઝર ચલાવવામાં આવે છે. કેટલાક લોકો દ્વારા આવી કાર્યવાહીનું સ્વાગત કરાય છે તો કેટલાક લોકો એનો વિરોધ કરે છે. મૂળભૂત સુવિધા અને વિકાસ માટે બુલડોઝરની ભૂમિકા મહત્ત્વની છે. બુલડોઝર શાંતિ અને વિકાસનું પ્રતીક બની શકે છે.’

અક્ષયકુમાર સાથે અડધો કલાક ચર્ચા

યોગી આદિત્યનાથ ફિલ્મ પ્રોડક્શન હાઉસના કેટલાક લોકોને ગઈ કાલે મળ્યા હતા, જેમાં અક્ષયકુમારનો પણ સમાવેશ થાય છે. અક્ષયકુમાર સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને અડધો કલાક બેઠક કરી હતી અને મુંબઈની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટેની વાતચીત તેમની વચ્ચે થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અક્ષયકુમારે ઉત્તર પ્રદેશમાં આકાર લઈ રહેલા ફિલ્મ ઍન્ડ ઇન્ફોટેનમેન્ટ સિટીથી સિનેમાજગત નવી ઊંચાઈએ પહોંચશે એમ કહ્યું હતું. યોગી આદિત્યનાથે અક્ષયકુમારને ઉત્તર પ્રદેશમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.

યોગીની રૅલીનો વિરોધ

યોગી આદિત્યનાથે ગઈ કાલે ઉદ્યોગપતિઓને ઉત્તર પ્રદેશમાં આવવાનું આમંત્રણ આપવા માટે રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો હતો. મહાવિકાસ આઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓએ મુંબઈના ઉદ્યોગને ઉત્તર પ્રદેશ લઈ જવા માટે આવેલા યોગી આદિત્યનાથની આકરી ટીકા કરી હતી. 

mumbai mumbai news mukesh ambani yogi adityanath akshay kumar