06 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ-અમદાવાદ હાઇવે પર રોડના કૉન્ક્રીટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે એથી પાલઘર જિલ્લામાં સાસુપાડામાં રોડની બાજુમાં જ કૉન્ક્રીટ બનાવવાનો પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જેના ખાડામાં શુક્રવારે સાંજે બે કામગાર પડી ગયા હતા. તેમણે બચાવો-બચાવોની બૂમો પાડતાં અન્ય એક કામગાર તેમને બચાવવા માટે ખાડામાં ઊતર્યો હતો. જોકે એ પછી ખાડામાં અટવાઈ ગયેલા ત્રણે કામગારોને હાઇડ્રો ક્રેનથી બહાર ખેંચવા પડ્યા હતા. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને તપાસીને બેને મૃત જાહેર કર્યા હતા. ગૂંગળાઈ જવાને કારણે તેમનાં મોત થયાં હતાં. જ્યારે ત્રીજા કામગારને મીરા રોડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેની પણ હાલત ગંભીર છે. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ કરી હાલ કાર્યવાહી કરી છે. જોકે એ પ્લાન્ટ ઊભો કરતી વખતે બધા નિયમો પાળવામાં આવ્યા હતા કે નહી? પ્રૉપર વેન્ટિલેશન હતું કે નહીં જેવી બાબતોની ચકાસણી ચાલુ કરવામાં આવી છે.