08 February, 2026 07:28 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટના જે. એન. રોડ પર આવેલી મધુવન જ્વેલર્સના માલિક રમેશચંદ્ર બાગરેચાની અખબાર વાંચવાની નિયમિત આદતે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી બે ભેજાબાજ મહિલાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. ૨૦૨૩ની ૨૫ ડિસેમ્બરે તેમની દુકાનમાં આવેલી બે મહિલાઓએ ચાલાકીપૂર્વક નકલી સોનું પધરાવીને ૮,૯૦,૮૦૦ રૂપિયાના અસલી સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હતી. જોકે એ સમયે દુકાનની આબરૂ ખરડાવાના ડરે અને બદનામીથી બચવા ફરિયાદીએ પોલીસ-ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે તાજેતરમાં જાગૃત રમેશચંદ્રએ પોતાના નિત્યક્રમ મુજબ અખબાર વાંચતી વખતે દહિસર પોલીસે પકડેલી બે મહિલાઓના સમાચાર વાંચ્યા જેમની ગુના કરવાની કાર્યપદ્ધતિ હૂબહૂ તેમની ઘટના જેવી જ હતી. આ સમાચાર વાંચતાંની સાથે જ તેઓ તરત દહિસર પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં આરોપી મહિલાઓની ઓળખ કરીને ખાતરી થતાં આખરે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં તાજેતરમાં ફરિયાદ નોંધાવી હતી. આમ એક વેપારીની વર્તમાનપત્ર વાંચવાની ટેવે પોલીસને અઢી વર્ષ જૂના ગુનાના મૂળ સુધી પહોંચાડી દીધી છે.
રમેશચંદ્ર બાગરેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩ની ૨૫ ડિસેમ્બરે નાતાલના દિવસે સવારે ૧૧ વાગ્યે બે અજાણી મહિલાઓ દુકાનમાં ગ્રાહક બનીને આવી હતી. તેમણે નજીકના વિજયનગરમાં રહેતી હોવાનો દાવો કર્યો હતો. વિશ્વાસ કેળવવા માટે તેમણે પોતાની પાસે રહેલા ૧૫૬ ગ્રામ વજનના જૂના સોનાના દાગીના (જેમાં ૩ ચેઇન, બંગડીઓ અને વીંટીઓ સામેલ હતી) બતાવ્યા હતા અને એના બદલામાં નવી ડિઝાઇનના દાગીના ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે દુકાનના કર્મચારી નારાયણ ચૌધરીએ તેમના દાગીનાની તપાસ કરતાં એ સોનું સાચું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું હતું. ત્યાર બાદ આ મહિલાઓએ ચાલાકીપૂર્વક ૮.૯૦ લાખ રૂપિયાની કિંમતના મંગળસૂત્ર, ચેઇન, વીંટી અને બંગડીઓ સહિતના નવા દાગીના પસંદ કર્યા હતા અને અમે નિયમિત ગ્રાહક બનીશું એમ કહી બિલ લીધા વિના જ રફુચક્કર થઈ ગઈ હતી. બીજા દિવસે એટલે કે ૨૬ ડિસેમ્બરે મારા પુત્ર યોગેશે આ જૂના દાગીનાને ઓગાળવા અને નવા દાગીના બનાવવા માટે લૉકરમાંથી બહાર કાઢ્યા ત્યારે દાગીનાના વજન અને દેખાવ પર શંકા ગઈ હતી. તેણે ઍસિડ-ટેસ્ટ દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું કે દાગીના બનાવટી અને ખોટા હતા. મારી સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા છતાં મારી દુકાનની વર્ષો જૂની પ્રતિષ્ઠા ન ખરડાય એ ડરથી એ સમયે મેં પોલીસ-ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે મેં ભવિષ્યના પુરાવા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સાચવી રાખ્યાં હતાં.’
અખબારની મદદથી આરોપી સુધી પહોંચ્યા
આ ઘટનાનાં લગભગ અઢી વર્ષ બાદ તાજેતરમાં મેં સવારે અખબારમાં દહિસર પોલીસે આ જ કાર્યપદ્ધતિ ધરાવતી મહિલા ટોળકીને પકડી હોવાના સમાચાર વાંચ્યા હતા એમ જણાવીને રમેશચંદ્ર બાગરેચાએ વધુમાં કહ્યું હતું કે ‘એમાં તામિલનાડુની નાગમણિ ઉર્ફે નિર્મલા મુરલી કૃષ્ણન અને લક્ષ્મી વિરાન્નનનાં નામ વાંચતાં મારી સાથે છેતરપિંડી કરનારી આ બન્ને મહિલા જ હોઈ શકે છે એમ વિચારીને હું દહિસર પોલીસ-સ્ટેશન ગયો હતો જ્યાં મારી પાસેનાં CCTV કૅમેરાનાં ફુટેજ પોલીસ-અધિકારીને દેખાડીને બન્ને મહિલા વિશે માહિતી મેળવતાં મારી સાથે છેતરપિંડી કરનાર બન્ને તે જ મહિલા હોવાની ખાતરી થઈ હતી. અંતે મેં મારી મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
મુલુંડ પોલીસ તાબો મેળવશે
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલાઓ હાલમાં દહિસર પોલીસ-સ્ટેશનની કસ્ટડીમાં છે. તેમની તપાસ પૂરી થયા બાદ તેમને જેલ-કસ્ટડી આપવામાં આવશે. ત્યાર બાદ અમે તેમનો તાબો મેળવીને તપાસ કરીશું.’