શું તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ બર્થ-ડેટ છે? તો ચેતી જજો

19 January, 2023 09:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બોરીવલીમાં પર્સ ચોરનારે પૅન કાર્ડ પરથી બર્થ-ડેટ મેળવીને મહિલાનું બૅન્ક-અકાઉન્ટ સાફ કરી નાખ્યું અને ઑનલાઇન ખરીદી પણ કરી : ૭૦ ટકા લોકો પાસવર્ડ તરીકે બર્થ-ડેટ રાખે છે જે જોખમી છે

પોલીસે બન્ને આરોપી હમીદ અબ્દુલ અને સાજિદ અબ્દુલ ખાનને માલવણીથી ઝડપી લીધા હતા

બોરીવલી-વેસ્ટમાં બસની લાઇનમાં ઊભી રહેલી એક મ​હિલાનું પર્સ બૅગ-સ્નૅચિંગ કરતા બે ભાઈઓએ તફડાવી લીધું અને ત્યાર બાદ એમાંની ૧૬,૫૦૦ રૂપિયાની રોકડ ચોરી લીધી. એની સાથે પર્સમાં રહેલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તેનું બૅન્ક-અકાઉન્ટ સાફ કરી નાખ્યું અને એના પરથી ઑનલાઇન ખરીદી પણ કરી હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મહિલાના પર્સમાં તેનાં આધાર કાર્ડ અને પૅન કાર્ડ હતાં અને પૅન કાર્ડ પર તેની ડેટ ઑફ બર્થ લખેલી હતી. બન્ને ઉઠાઉગીરોએ એ બર્થ-ડેટના આધારે ડેબિટ કાર્ડનો પાસવર્ડ સર્ચ કર્યો, એમાં તેઓ સફળ રહ્યા અને મહિલાના અકાઉન્ટમાંથી રકમ ઊપડી ગઈ.

જોકે આ કેસમાં એમએચબી પોલીસે બન્ને આરોપી સગા ભાઈઓ સાજિદ અબ્દુલ ખાન અને હમીદ અબ્દુલ ખાનને માલવણીથી ઝડપી લીધા હતા અને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેમણે કઈ રીતે ડેબિટ કાર્ડની મદદથી રૂપિયા કઢાવ્યા હતા. એમએચબી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘૭૦ ટકા લોકો સહેલાઈથી યાદ રહી જાય એ માટે તેમના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ તેમની બર્થ-ડેટ રાખતા હોવાનું જાણવા મળ્યું છે. વળી જો ચોરના હાથમાં પૅન કાર્ડ ચડી જાય તો એના પર તો બર્થ-ડેટ મેન્શન કરેલી જ હોય છે. એથી ડેબિટ કાર્ડ એટીએમમાં નાખી એ બર્થ-ડેટનાં બે કે વધુમાં વધુ ત્રણ કૉમ્બિનેશન ટ્રાય કરે એટલે તેઓ સફળ થઈ જતા હોય છે. ઉપરોક્ત કેસમાં મહિલાના પર્સમાં ડેબિટ કાર્ડ પણ હતું અને પૅન કાર્ડ પણ હતું. એથી તેમને આસાની થઈ ગઈ હતી. તેમણે એની મદદથી મહિલાનું બૅન્ક-અકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું અને એના વડે ઑનલાઇન ખરીદી પણ કરી લીધી હતી. એથી પહેલી વાત એ કે ડેબિટ કાર્ડનો પાસવર્ડ બની શકે તો બર્થ-ડેટ રાખવાનું ટાળો અને બીજું, ડેબિટ કાર્ડના પાઉચમાં આધાર કાર્ડ કે પૅન કાર્ડ રાખવાનું પણ ટાળો. થોડી સાવચેતી સાથે સમજદારી દાખવશો તો આ રીતની ચોરીનો ભોગ ઓછા બનશો.’ 

mumbai mumbai news Crime News mumbai crime news borivali bakulesh trivedi