શિકારી ખુદ યહાં શિકાર હો ગયા?

05 March, 2023 07:56 AM IST  |  Mumbai | Mehul Jethva

જેણે પોતે આપેલા માલના પૈસા લેવાના હતા તે એપીએમસીના વેપારી સાથે દલાલ સહિત બે લોકોએ ફિલ્મી સ્ટાઇલથી છેતરપિંડી કરવાની કોશિશ કરીને કિડનૅપિંગની ફરિયાદ નોંધાવી : એપીએમસી પોલીસે દલાલ સહિત માલ લેનાર વેપારી સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી

ફરિયાદી પાર્થ જયેશ કોઠારી

મુંબઈ : નવી મુંબઈની માર્કેટમાં મસાલાનો વ્યવસાય કરતા એક વેપારીને પૈસા પાછા ન આપવા પડે એટલા માટે દલાલે કારસ્તાન કરી પૈસા અન્ય વેપારી પાસેથી અપાવવાનું કહીને ઘાટકોપર લાવ્યા બાદ ૨૦૨૦માં પંતનગર પોલીસ સ્ટેશનમાં તે વેપારી વિરુદ્ધ જ કિડનૅપિંગ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એ પછી વેપારીને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેણે પોતાની સાથે થયેલી તમામ માહિતી પોલીસ સમક્ષ રાખ્યા પછી હવે એક દલાલ અને માલ લેનાર વેપારી સામે ૧.૩૧ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ એમપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

ઘાટકોપર-ઈસ્ટમાં ટિળક રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષના પાર્થ જયેશ કોઠારીએ કરેલી ફરિયાદ અનુસાર તેણે પાઇલટની તાલીમ લીધી છે અને એમાં તે પહેલાં કાર્યરત હતો. ૨૦૧૭માં પિતા જયેશભાઈના મૃત્યુ પછી એપીએમસી મસાલા માર્કેટમાં તે સી-૩૧માં જયેશ ઍન્ડ કંપનીના નામે વ્યવસાય કરે છે. પિતાના મૃત્યુ પછી તમામ વ્યવસાય તેના માટે નવો હતો. દરમિયાન દિલીપ મારુ નામના દલાલ સાથે તેની ઓળખાણ થઈ હતી, જેણે પહેલાં બે કરોડ રૂપિયાનો માલ લીધા પછી એના પૈસા સમયસર ચૂકવ્યા હતા. એ પછી દલાલે દિલ્હીમાં આસામ સોપારી ટ્રેડર્સ અને મહિમા ઇન્ટરનૅશનલના માલિક અજય ગુપ્તાને ૫૦ ટન લવિંગ જોઈતાં હોવાની માહિતી આપી હતી. અગાઉનું તમામ પેમેન્ટ ક્લિયર હોવાથી દલાલ દિલીપ મારુના કહેવા પર ૫૦ ટન માલ અજય ગુપ્તાને આપવામાં આવ્યો હતો જેની કુલ કિંમત ૧,૭૯,૨૯,૨૦૦ રૂપિયા થઈ હતી. એમાંથી અજય ગુપ્તાએ માત્ર ૪૭,૫૦,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. એ સાથે દલાલ દિલીપ મારુએ ૧,૮૦,૦૦૦ રૂપિયા દલાલી પણ રોકડમાં ફરિયાદી પાસેથી લીધી હતી. એ પછી માલનું પેમેન્ટ વેપારી અજય ગુપ્તાએ ન આપતાં દિલીપ મારુનો સંપર્ક કરતાં ચોથી ડિસેમ્બર ૨૦૧૯એ દિલ્હી વેપારી અજય ગુપ્તા પાસે જવાનું નક્કી થયું હતું. જોકે દિલીપ મારુ વગર કંઈ કહ્યે ત્રીજી ડિસેમ્બરે જ દિલ્હી પહોંચી ગયો હતો અને ત્યારે વેપારી અજય ગુપ્તાએ માલના પૈસા આપીશ નહીં, જે થાય એ કરી લે એમ ધમકી આપી હતી.

૧૯ ઑગસ્ટ ૨૦૨૦એ ફરિયાદી દિલીપ મારુને મળવા ગયો હતો અને ત્યારે પૈસાનો વિષય કાઢવામાં આવ્યો ત્યારે તેમણે મારા પૈસા ઘાટકોપરના દીપલભાઈ પાસે છે, તું મારી સાથે ચાલ, તને પૈસા અપાવી દઉં છું એમ કહીને કહ્યું હતું કે મારી કાર ખરાબ છે તો તારી કારમાં આપણે જઈએ. ત્યાર બાદ દિલીપ મારુએ કારમાં દીપલભાઈને ફોન કરીને તેઓ મળવા આવી રહ્યા છે એમ કહ્યું હતું. ઘાટકોપરમાં તેની પાસે પહોંચ્યા બાદ દીપલભાઈએ કહ્યું હતું કે હાલમાં તો મારી પાસે એટલા પૈસા થઈ શકે એમ નથી. એ પછી થોડો સમય માગવામાં આવ્યો હતો. ત્યાર બાદ બધા લોકો તેમના ઘરે નીકળી ગયા હતા.

ફરિયાદી પાર્થ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯ ઑગસ્ટે રાતે મને જાણવા મળ્યું હતું કે મારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એ પછી મેં કોર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા. હાલમાં પણ કોર્ટમાં કેસ ચાલુ છે. જોકે મારી પાસે છેતરપિંડી થઈ છે. જે વેપારીને માલ આપવામાં આવ્યો છે તેણે ચોખ્ખું મને કહ્યું છે કે મેં પૈસા દિલીપભાઈને આપી દીધા છે. મારી સામે ફરિયાદ નોંધાયા પછી મને ધમકાવીને કહેવામાં આવ્યું હતું કે હવે આ કેસ તારી સામે છે. જોકે મારી પાસે તમામ વેપારનો હિસાબ છે. હું મારા પોતાના પૈસા માગું છું. કિડનૅપિંગ જેવી ખોટી ફરિયાદ મારી સામે નોંધાવીને મને ધમકાવાની કોશિશ થઈ હતી. હવે મેં મારી ફરિયાદ પોલીસ સમક્ષ કરી છે.’

દલાલ દિલીપ મારુનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘મારી સામે કોઈ ફરિયાદ નોંધાઈ હોય એનો મને કોઈ આઇડિયા નથી. બાકી મેં પાર્થ સામે ફરિયાદ નોંધાવી છે.’
એપીએમસી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અજુમ ભગવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે એની વધુ માહિતી આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

mumbai mumbai news apmc market mehul jethva