ગુજરાતી ટીનેજરની બહાદુરીને સલામ

01 October, 2022 09:56 AM IST  |  Mumbai | Mehul Jethva

બોરીવલીની નવરાત્રિમાંથી ઘરે પાછા ફરી રહેલા ૧૮ વર્ષના કિશોરને સ્કાયવૉક પર એકલો જોઈને બ્લૅડ દેખાડીને લૂંટી લેવાનો પ્રયાસ થયો, પણ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થયા એટલે બેમાંથી એકને તેણે પકડી લીધો

ફાઇલ તસવીર

બોરીવલીમાં નવરાત્રિમાંથી ઘરે પાછા ફરી રહેલા ૧૮ વર્ષના ગુજરાતી કિશોરને સ્કાયવૉક પર એકલો જતો જોઈને બે ચરસી યુવાનોએ તેને બ્લૅડથી કાપી નાખવાની ધમકી આપીને રિક્ષામાં બેસાડ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી મોબાઇલ અને ખિસ્સામાં પડેલા ૩૦૦ રૂપિયા લઈને આરોપીઓએ ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે ગુજરાતી કિશોરે બૂમાબૂમ કરી મૂકતાં આસપાસમાં કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા, જેમની મદદથી ગુજરાતી કિશોરે એક યુવાનને પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ભાઈંદર-ઈસ્ટમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષના દિવ્યાંશ અજય ઉપાધ્યાયે કરેલી ફરિયાદ અનુસાર ૨૯ સપ્ટેમ્બરે રાતે ૧૨ વાગ્યે કોરા કેન્દ્ર નવરાત્રિ ગ્રાઉન્ડમાંથી નીકળીને તે ઘરે પાછો ફરી રહ્યો હતો. એ દરમ્યાન એસ. વી. રોડ પરના સ્કાયવૉકથી બોરીવલી રેલવે સ્ટેશન માટે આગળ વધતાં બે યુવકોએ તેને એકલો જોઈને રોક્યો હતો. એમાંના એક જણે તેને બ્લેડ દેખાડીને કાપી નાખવાની ધમકી આપી હતી. બીજા યુવાને તેની પાસેનો મોબાઇલ અને ૩૦૦ રૂપિયા લઈને તેને રિક્ષામાં બેસાડ્યો હતો અને પછી તેની પાસેથી વધુ ૨૦૦૦ રૂપિયા માગ્યા હતા. જોકે એ સમયે દિવ્યાંશે બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. લોકોને ભેગા થતા જોઈને એ યુવાનોએ ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એમાંના એક યુવાનને પકડીને દિવ્યાંશે પોલીસને સોંપ્યો હતો. દિવ્યાંશે પકડેલા આરોપીનું નામ અજય ધુળે હોવાની જાણ થઈ હતી.

દિવ્યાંશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું નવરાત્રિ ગ્રાઉન્ડમાંથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે મને રસ્તા પર એકલો જોઈને બે ચરસી યુવાનોએ અટકાવ્યો હતો. તેઓ પૈસા માટે કંઈ પણ કરી શકે એવું જણાતું હતું. તેમણે મારો મોબાઇલ અને પૈસા પહેલાં જ કાઢી લીધા હતા. એ પછી પણ તેઓ ૨૦૦૦ રૂપિયા મારી પાસે માગી રહ્યા હતા. જોકે મેં સમયસૂચકતા વાપરીને બૂમાબૂમ કરી મૂકતાં કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. બેમાંના એક યુવાનને પકડીને મેં પોલીસને સોંપ્યો હતો.’

બોરીવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર વિશાલ ઝઘડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. એક આરોપીને તાબામાં લઈને અમે તપાસ કરી રહ્યા છીએ. તેના પર અગાઉના પણ કેસ હોવાની માહિતી અમને મળી છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’ 

mumbai mumbai news borivali mehul jethva