લૅવિશ લાઇફસ્ટાઇલના અભરખામાં ગુજરાતી બની ગયો ક્રિમિનલ

19 September, 2022 08:45 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંદિવલીના મૉલમાં સેલ્સમૅન તરીકે કામ કરતા રોહિત શાહને લક્ઝુરિયસ ચીજોનો શોખ હતો અને એટલે તે નકલી નોટો છાપવા માંડ્યો હતો

માનખુર્દ પોલીસે બનાવટી નોટો છાપનાર રોહિત શાહને ઝડપી લીધો હતો

માનખુર્દની એક ઝૂંપડપટ્ટીમાં બનાવટી કરન્સી નોટો છપાઈ રહી હોવાની માહિતી મળતાં શુક્રવારે રાતે પોલીસે એ જગ્યાએ ત્રાટકીને ત્યાંથી ૨૨ વર્ષના રોહિત શાહને ૭ લાખ રૂપિયાની બનાવટી નોટો સાથે ઝડપી લીધો હતો. હવે પોલીસે તેના વધુ એક સાગરીત રવીન્દ્ર રાઠોડને પણ પકડી લીધો છે. એ બન્ને સેલ્સમૅન છે અને ઝટપટ પૈસા બનાવીને લૅવિશ લાઇફ જીવવા માગતા હતા.

આ કેસ વિશે માહિતી આપતાં માનખુર્દ પોલીસ-સ્ટેશનના પીઆઇ રાજુ સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોહિત અને રવીન્દ્ર કાંદિવલી-ઈસ્ટના ગ્રોવેલ્સ મૉલમાં કપડાંની દુકાનમાં સેલ્સમૅન છે. રોહિતના પિતાનું અવસાન થયું છે અને તે માતા સાથે રહે છે. બન્નેને સારાં કપડાં પહેરવાના, સારી હોટેલમાં જમવાના, અમનચમન કરવાના, લૅવિશ લાઇફસ્ટાઇલના અભરખા હતા એથી તેમણે ઝડપથી પૈસા બનાવવા માટે રૂપિયા છાપવાનું નક્કી કર્યું. યુટ્યુબ પરથી તેમણે એ માટેના વિડિયો જોયા અને ત્યાર બાદ એના પર અમલ કર્યો. જોકે પોતે ઓળખાઈ ન જાય અને પકડાઈ ન જાય એ માટે તેમણે તેમના ઘરથી દૂર માનખુર્દની ઝૂંપડપટ્ટીમાં ભાડે રૂમ લઈને બનાવટી નોટો બનાવવાનું શરૂ કર્યું હતું. દોઢ મહિના પહેલાં તેમણે એ રૂમ ભાડેથી લીધી હતી. અમે તેમણે આ પહેલાં આવી કેટલી નોટો બનાવી અને ક્યાં વટાવી એની તપાસ-પૂછપરછ કરી રહ્યા છીએ. રોહિતને શનિવારે કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને ૨૨ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. તેની પૂછપરછમાં રવીન્દ્રનું નામ અને સંડોવણી સામે આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.’   

mumbai mumbai news Crime News mumbai crime news kandivli mankhurd mumbai police bakulesh trivedi