15 April, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પત્નીની નજરો સામે જીવ ગુમાવનાર નરોત્તમ વાઘેલા
મુંબઈના અત્યંત વ્યસ્ત ગણાતા દાદર, માટુંગા અને ખેરવાડીમાં રવિવારે એક જ દિવસમાં ગુજરાતી સિનિયર સિટિઝન સહિત ત્રણ જણની હત્યા થઈ હતી. સૌથી વધુ આઘાતજનક ઘટનામાં દાદર-ઈસ્ટના દાદાસાહેબ ફાળકે રોડ પર રહેતા ૬૩ વર્ષના નરોત્તમ વાઘેલાની તેમનાં પત્ની સવિતા સામે જ હત્યા કરવામાં આવી હતી. આ મામલે માટુંગા પોલીસે સાહિલ ઘાડગે અને શાહબાઝ શેખની ધરપકડ કરી છે. BMCમાં સફાઈ-કર્મચારી તરીકે કામ કરીને નિવૃત્ત થયેલા નરોત્તમભાઈ રવિવારે રાતે પત્ની સાથે બે જણ ઝઘડો કરી રહ્યા હોવાનું જોઈને ઘરમાંથી બહાર આવ્યા હતા. એ વખતે આરોપીઓએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેમના પર હુમલો કર્યો હતો.
નરોત્તમ વાઘેલાનાં પત્ની સવિતાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે સાડાનવ વાગ્યે એક કાર મારા ઘરની નજીક રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી. મેં કાર-ડ્રાઇવરને એ જગ્યાએ કાર પાર્ક ન કરવાનું કહ્યું ત્યારે કારની અંદરથી બહાર આવેલા બે જણ જોરજોરથી રાડો પાડીને મારી સાથે ઝઘડવા માંડ્યા હતા. એ પછી અવાજ સાંભળીને મારા પતિ ઘરમાંથી બહાર આવ્યા હતા અને તેમણે પણ કાર પાર્ક ન કરવાની વિનંતી કરી હતી. એ સમયે શરૂઆતમાં બન્નેએ ગાળાગાળ કરીને મારા પતિને ધક્કો મારીને જમીન પર પછાડ્યા હતા. ત્યાર બાદ તેમણે હાથ-પગથી માર મારવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં, બન્નેએ તેમના ઘૂંટણ મારા પતિની છાતી પર મૂકીને હાથ વડે માર માર્યો હતો. થોડી વારમાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ મારઝૂડમાં ગંભીર ઈજા થઈ હોવાથી મારા પતિ બેભાન થઈ ગયા હતા. અમે તેમને ટૅક્સીમાં KEM હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. અમારું કોઈ સંતાન નથી. મેં મારો એકમાત્ર સહારો હતો એ આ ઘટનામાં ગુમાવી દીધો.’
હત્યા નંબર બે
દાદરમાં ૭ જણે જૂની દુશ્મનાવટમાં અંકુશ આંબેકરને પત્નીની સામે જ નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. રવિવારે અંકુશ પત્ની સાથે તેના મિત્ર ભૂપેન્દ્ર સોલંકીને મળવા જઈ રહ્યો હતો ત્યારે ગૌરવ સનસ, અનિલ પટેલ, રાજેશ પટેલ, સિદ્ધેશ પટેલ, સાહિલ રાણે, અવિનાશ ખાવરે અને અજય યાદવે દાદરની સયાજીવાડી પાસે અંકુશને પકડીને માર માર્યો હતો. આ હુમલામાં અંકુશ ગંભીર રીતે જખમી થયો હતો અને આખરે તેણે જીવ ગુમાવ્યો હતો. દાદર પોલીસે ૭ આરોપીઓની ધરપકડ કરી છે.
હત્યા નંબર ત્રણ
ખેરવાડીમાં કલ્પતરુ સ્પાર્કલ્સ સોસાયટી નજીક અભિનવ ચૌધરી નામના યુવકની બે અજાણી વ્યક્તિઓએ જૂના ઝઘડાનો ગુસ્સો રાખીને હત્યા કરી હતી. હુમલાખોરો હથિયારના ઘા મારીને નાસી ગયા હતા. ખેરવાડી પોલીસ-સ્ટેશને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.