વૅક્સિનના બીજા ડોઝના ત્રણ મહિના પછી ગુજરાતી થયા કોરોના-પૉઝિટિવ

16 April, 2021 08:10 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના ભૂપેન્દ્ર ઠક્કરે ૧૬ ડિસેમ્બરે પહેલો અને ૧૩ જાન્યુઆરીએ કોવિડ વૅક્સિનનો બીજો ડોઝ લીધો હતો : અત્યારે તેઓ કોવિડ ઇન્ફેક્શન સાથે સાયન હૉસ્પિટલમાં છે

ભૂપેન્દ્ર ઠક્કર

ગયા વર્ષના ડિસેમ્બરમાં જ્યારે એક કંપની પોતાની કોવિડ વૅક્સિનની ટ્રાયલ માટે વૉલન્ટિયર્સ શોધી રહી હતી ત્યારે મુલુંડમાં રહેતા ૬૬ વર્ષના ભૂપેન્દ્ર ઠક્કરે એમાં ભાગ લીધો હતો. ૧૬ ડિસેમ્બરે તેમણે પહેલો ડોઝ લીધો હતો અને એના ૨૮ દિવસ બાદ એટલે કે ૧૩ જાન્યુઆરીએ તેમણે આ જ વૅક્સિનનો બીજો ડોઝ લીધો હતો. એ વખતે તેમને ખાસ કોઈ આડઅસર નહોતી થઈ. જોકે નવાઈની વાત એ છે કે વૅક્સિનના બીજા ડોઝના ત્રણ મહિના બાદ એટલે કે બુધવારે મુલુંડની એક હૉસ્પિટલમાં પેટમાં દુખાવાની સારવાર માટે તેમને દાખલ કરવાના હતા ત્યારે હૉસ્પિટલે કોવિડ પ્રોટોકોલ મુજબ ટેસ્ટ કરાવવાનું કહ્યું. તેમણે રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવી તો એ પૉઝિટિવ આવી હતી. આ સંદર્ભે તેમણે સુધરાઈને જાણ કરતાં બુધવારે રાતે તેમને સાયન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

કોઈ પણ વૅક્સિનની ટ્રાયલમાં અમુક વૉલન્ટિયર્સને વૅક્સિન આપવામાં આવે છે, તો અમુકને પ્લે‌સિબો (નિષ્પક્ષપણે વૅક્સિનનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે અમુક લોકોને વિટામિનનાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે એ) આપવામાં આવે છે. જે લોકોને પ્લેસિબો આપવામાં આવી હોય તેમને એક વાર વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે અપ્રૂવલ મળે કે તરત વૅક્સિન આપવામાં આવે છે. જોકે આ કેસમાં ભૂપેન્દ્રભાઈનું કહેવું છે કે ‘મને વૅક્સિન જ આપવામાં આવી હતી. થોડા સમય પહેલાં મેં ટેસ્ટ કરાવી હતી જેમાં મારા શરીરમાં ઍન્ટિબૉડીઝ મળ્યાં હતાં. જો એવું ન હોત તો મને વૅક્સિન લેવા માટે કૉલ આવ્યો હોત.’

મુલુંડ-વેસ્ટમાં સેજલ અપાર્ટમેન્ટમાં રહેતા ભૂપેન્દ્રભાઈને આપણા દેશ પ્રત્યે બહુ પ્રેમ છે અને આ જ કારણસર તેમણે ડિસેમ્બરમાં વૅક્સિન માટે વૉલન્ટિયર બનવાનું નક્કી કર્યું હતું. એ સમયે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દેશ માટે પ્રેમ કરનાર દરેક વ્યક્તિએ આ ટ્રાયલમાં સામેલ થવું જોઈએ. ત્યાર બાદ જ્યારે દેશમાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણ શરૂ થયું ત્યારે પણ તેમણે લોકોને હિંમત આપવાનું કામ કર્યું હતું.
ગઈ કાલે સાયન હૉસ્પિટલમાંથી ભૂપેન્દ્રભાઈ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મને બીજા બધા લોકોને હોય એવાં કોઈ લક્ષણ નથી. નથી મને તાવ કે નથી મારું માથું દુખતું કે નથી મને શરદી-ઉધરસ. હા, પણ પેટમાં ઇન્ફેક્શનને લીધે મને ઝાડા થઈ ગયા છે અને અત્યારે મારા શરીરમાં લિક્વિડ પણ નથી ટકતું. ડૉક્ટરોએ આવીને મારાં લક્ષણ વિશે મારી સાથે વાત કરી લીધી. બસ, ત્યાર બાદ કોઈએ મને કશું પૂછ્યું નથી. મને તો બીજા ડોઝ વખતે કહેવામાં આવ્યું હતું કે હવે ૧૪ દિવસ બાદ તમારા શરીરમાં ઍન્ટિબૉડીઝ આવી જશે અને તમને કોરોના નહીં થાય. કોરોનાનો પૉઝિટિવ રિપોર્ટ જોઈને મને પોતાને નવાઈ લાગી રહી છે.’

આ બાબતે સાયન હૉસ્પિટલના ડીન ડૉ. મોહન જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘તમે જે દરદીની વાત કરી રહ્યા છો એની મને જાણ નથી. શક્ય છે કે તેમને પ્લેસિબો આપવામાં આવ્યું હોય અને એને લીધે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોય.’

જોકે ત્યાર બાદ તેમણે હૉસ્પિટલમાં આવીને ભૂપેન્દ્રભાઈની સારવાર કરી રહેલા ડૉક્ટર પાસેથી વધુ માહિતી લેવાનું કહ્યું હતું.

 મને બીજા બધા લોકોને હોય એવાં કોઈ લક્ષણ નથી. નથી મને તાવ કે નથી મારું માથું દુખતું કે નથી મને શરદી-ઉધરસ. હા, પણ પેટમાં ઇન્ફેક્શનને લીધે મને ઝાડા થઈ ગયા છે. ભૂપેન્દ્ર ઠક્કર

mumbai mumbai news coronavirus covid19 mehul jethva