નવી મુંબઈ બીજેપીના ત્રણ નગરસેવક શિવસેનામાં જોડાયા

30 December, 2020 11:25 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ બીજેપીના ત્રણ નગરસેવક શિવસેનામાં જોડાયા

બીજેપીના આ નગરસેવકો ગઈ કાલે શિવસેનામાં જોડાયા હતા

નવી મુંબઈમાં બીજેપીને આંચકો લાગ્યો છે. મળેલી માહિતી મુજબ બીજેપીના ત્રણ નગરસેવક શિવસેનામાં જોડાઈ ગયા છે. આ ત્રણેય નગરસેવક ગણેશ નાઈકના કટ્ટર સમર્થક હોવાથી બીજી પણ કેટલીક અટકળો લગાવાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવીન ગવતે, દીપા ગવતે અને અપર્ણા ગવતે નવી મુંબઈમાં લાંબા સમયથી એકહથ્થુ શાસન ચલાવી રહેલા ગણેશ નાઈકના નજીકના નગરસેવકો છે. આથી ખુદ ગણેશ નાઈક પણ એનસીપીમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે જ નવી મુંબઈમાં સત્તાધારી બીજેપીના ત્રણ નગરસેવક શિવસેનામાં જોડાતાં બીજેપીને મોટો આંચકો લાગ્યો છે. શિવસેનાની આગેવાનીમાં મહાવિકાસ આઘાડી સરકાર એક વર્ષ ટકી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં આ સરકાર પર કોઈ સંકટ આવવાની શક્યતા ન દેખાતી હોવાથી ટૂંક સમયમાં બીજેપીમાંથી શિવસેનામાં ઇનકમિંગ થવાની વાતો પણ જોરશોરથી ચાલી રહી છે. ત્રણેય નગરસેવક એેકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.

એનસીપીમાંથી બીજેપીમાં જોડાયેલા ગણેશ નાઈકે જોકે તમામ અટકળો પોકળ હોવાનું કહ્યું હતું. ઐરોલીના વિધાનસભ્ય ગણેશ નાઈકે કહ્યું હતું કે બીજેપી છોડવાનો કોઈ સવાલ જ નથી થતો.

mumbai mumbai news navi mumbai bharatiya janata party shiv sena