16 August, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ દ્વારા ચાલી રહેલી ગણેશોત્સવની તૈયારી.
ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ ૪૭ વર્ષથી અલગ-અલગ કન્સેપ્ટ અને થીમ પર ગણેશોત્સવની ઉજવણી કરે છે જેને જોવા અને દર્શન કરવા શહેર અને ઉપનગરોમાંથી હજારો લોકો આવે છે. આ વર્ષે પણ આ મંડળના પદાધિકારીઓએ એક નવી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે ગણેશોત્સવમાં સાડાછ ફુટના ગણેશજીને સંકટમોચન હનુમાન મંદિરમાં સ્થાપવામાં આવશે. જોકે આ મંદિર મુંબઈના કે દેશના કોઈ પણ અન્ય મંદિરની પ્રતિકૃતિ સમાન નહીં હોય. એ મંદિરની બાજુમાં રામ-લક્ષ્મણનું મંદિર બનાવવામાં આવશે, જ્યારે મંદિરની અંદર વિવિધ સ્વરૂપના હનુમાનની મૂર્તિઓનું સર્જન કરવામાં આવશે. આ મંડળની અન્ય વિશેષતા એ છે કે આ મંડળ દ્વારા ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગુલાલ અને ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી.