11 September, 2025 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન
ગિરગામ ચોપાટી ખાતે ભરતી અને ટેક્નિકલ મુશ્કેલીઓને કારણે પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન રવિવારે અટકી પડ્યું હતું ત્યારે ગિરદી વચ્ચે કાતરથી કાપીને ભક્તોની ચેઇન તફડાવતા પચીસ વર્ષના અજય વાઘેલાની ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદથી ચોરીના ઇરાદે મુંબઈ આવીને ગિરગામ ચોપાટી પર પહોંચેલા અજય પાસેથી પોલીસે આશરે ૩ લાખ રૂપિયાની બે ચેઇન જપ્ત કરી હતી. આ ચેઇન બાપ્પાની મૂર્તિનું વિસર્જન જોવા આવેલા બે ભક્તોની સેરવી હોવાની કબૂલાત અજયે પોલીસ સામે આપી હતી. આરોપીએ મુંબઈના બીજા મોટા ગણપતિના આગમન અને વિસર્જનમાં પણ ચોરીને અંજામ દીધો હોય એવો પોલીસનો પ્રાથમિક અંદાજ છે.
ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગિરગામ ચોપાટી ખાતે મુંબઈના મોટા અને જાણીતા બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે એ જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. દરમ્યાન પ્રખ્યાત લાલબાગચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિલંબ થવાથી એક પ્રકારે તનાવનો માહોલ સર્જાયો હતો. એ સમયે મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં ભેગા થયા હતા. એ દરમ્યાન વિસર્જન જોવા અને બાપ્પાની મૂર્તિ નજીક ઊભેલા યુવરાજ સાનપની ચેઇન પાછળથી ખેંચાઈ હતી એટલે તેણે ત્યાં ઊભેલી પોલીસનો સંપર્ક કરતાં તાત્કાલિક અમારા અધિકારીઓએ તપાસ કરીને વિસર્જન-સ્થળ નજીક ઊભા રહેલા અને શંકાસ્પદ લાગતા અજયને તાબામાં લીધો હતો. તેની પાસેથી અમને યુવરાજની ચેઇન મળી આવી હતી. આ ઉપરાંત તેની પાસેથી વધુ એક ચેઇન મળી હતી જે ત્યાં જ ઊભેલા સાગર ઇંગળેની હતી. આ બન્ને ચેઇન તેણે નાની કાતરથી કાપી ગિરદીનો ફાયદો લઈને સેરવી લીધી હતી. આરોપી પાસેથી હાલમાં આશરે ૩ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’