09 February, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી
ફિલ્મમેકર રોહિત શેટ્ટીને નિશાન બનાવવાનો પ્લાન બિશ્નોઈ ગૅન્ગ દ્વારા લગભગ ૮ મહિના પહેલાં બનાવવામાં આવ્યો હતો. જોકે ફાયરિંગ કરવા માટે જરૂરી ઑપરેશનલ બ્લુપ્રિન્ટ હુમલાના છેલ્લા ૧૦ દિવસ પહેલાં જ નક્કી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
માસ્ટરમાઇન્ડ શુભમ લોણકરને મુંબઈ પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના મુખ્ય ઑપરેટિવ તરીકે ઓળખાવ્યો છે અને તેણે કાવતરાને છુપાવવા માટે જુદા-જુદા લેવલની ઑપરેશનલ સિક્યૉરિટીનો ઉપયોગ કર્યો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે એક્ઝિક્યુશન સેલના સભ્યોને પણ છેલ્લી ઘડી સુધી ટાર્ગેટની ઓળખ આપવામાં આવી નહોતી. તપાસ-અધિકારીઓના જણાવ્યા મુજબ કાવતરાખોર લોણકરે પહેલી ફેબ્રુઆરી સુધી કોઈ પણ ઑપરેટિવને રોહિત શેટ્ટીની ઓળખ જાહેર નહોતી કરી.
છેલ્લા ૧૦ દિવસમાં જ ફાયરિંગનું ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ૨૦ જાન્યુઆરીએ આખરી તબક્કાના પ્લાનિંગ બાદ ધરપકડ કરાયેલા આરોપી સિદ્ધાર્થ યેનપુરે અને સમર્થ પોમાજી લોણકરની સૂચના મુજબ મુંબઈ પહોંચ્યા.
આ કેસના સંદર્ભમાં ધરપકડ કરાયેલા હથિયાર-સપ્લાયર આસારામ ફસાલેની તાજેતરમાં જ ધરપકડ થઈ છે. લોણકરની સૂચના પર આસારામે ૭થી ૮ મહિના પહેલાં એક આરોપીને ૩ બંદૂક પૂરી પાડી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે આપેલી એક બંદૂક હુમલામાં ઉપયોગમાં લેવામાં આવી હતી, બીજી ખરાબ હોવાને કારણે ફેંકી દેવામાં આવી હતી અને ત્રીજી ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી છે.
નવા પુરાવા દર્શાવે છે કે લોણકરે રોહિત શેટ્ટી અને અન્ય હાઈ પ્રોફાઇલ હસ્તીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સોશ્યલ મીડિયા પર ભારે નજર રાખી હતી. સૂત્રોને શંકા છે કે શૂટરે છેલ્લા ૧૦ દિવસમાં અનેક સેલિબ્રિટીની જાસૂસી કરી હતી. એમાંથી રોહિત શેટ્ટીના ઘરની પસંદગી રિયલ ટાઇમ ઍસેસમેન્ટના આધારે કરવામાં આવી હોઈ શકે છે.