થાણેના ગુજરાતીની હિંમતને દાદ આપવી પડે

28 May, 2022 08:44 AM IST  |  Mumbai | Mehul Jethva

તેણે લોકલ ટ્રેનમાં મોબાઇલ ખેંચીને નાસી જનાર આરોપીની પાછળ દોડીને બીજા પ્રવાસીઓની મદદથી તેને પકડી લીધો અને પોલીસને સોંપ્યો

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં રહેતો ગુજરાતી વેપારી વાશી જવા માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. એ દરમ્યાન રબાળે રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી હતી. ટ્રેન ચાલુ થતાં વેપારીનો મોબાઇલ લઈને એક ચોર ત્યાંથી ભાગ્યો હતો. એટલે પોતાની કોઈ પરવા કર્યા વગર વેપારી ચાલુ ટ્રેનમાંથી ઊતરીને ચોરની પાછળ ભાગ્યો હતો. આશરે ૩૦૦થી ૪૦૦ મીટર ભાગ્યા પછી તેણે ચોરને પકડી રેલવે પોલીસના તાબામાં સોંપ્યો હતો. આરોપી પાસેથી પોલીસને વધુ મોબાઇલ પણ મળી આવ્યા છે.
થાણે-વેસ્ટમાં બ્રાહ્મણસભા હૉલ પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષના કશ્યપ બોવાએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ ૨૬ મેએ સવારે આઠ વાગ્યે થાણે રેલવે સ્ટેશનથી પનવેલ સ્લો લોકલમાં વાશી જવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. એ દરમ્યાન રબાળે રેલવે સ્ટેશન પર ટ્રેન હૉલ્ટ કરીને પાછી શરૂ થઈ ત્યારે એક યુવાન જે દરવાજા પાસે ઊભો હતો તેણે કશ્યપનો મોબાઇલ લઈ ટ્રેનમાંથી નીચે ઊતરીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. એકાએક મોબાઇલ ચોરાઈ ગયેલો જોઈને કશ્યપ પણ તેની પાછળ ભાગ્યો હતો. આશરે ૩૦૦થી ૪૦૦ મીટર તેનો પીછો કરીને પ્લૅટફૉર્મ પર ચોર-ચોર બૂમો પાડતા અન્ય પ્રવાસીઓની મદદથી તેને પકડ્યો હતો અને રેલવે પોલીસના તાબામાં આપ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ૩૩ વર્ષના રાકેશ કુડાપળે તરીકે થઈ હતી. તેની સામે વાશી રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
કશ્યપ બોવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો મોબાઇલ ચોરાયો ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો કે મારે ચોરી કરેલા આરોપીને પકડી પોલીસને આપવો છે જેથી તે બીજા કોઈનો મોબાઇલ ચોરવાની હિંમત ન કરે. તેની પાછળ દોડીને મેં ચોર-ચોર બૂમો પાડી હતી. એ જોઈને અન્ય પ્રવાસીઓની મદદથી મેં તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો.’
વાશી રેલવે પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર મોનાલી ઘરાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી જેનો મોબાઇલ ચોરી કરીને ભાગ્યો હતો તેણે જ તેને પકડીને અમારા તાબામાં આપ્યો હતો. આરોપી પાસેથી અમને અન્ય મોબાઇલ પણ મળી આવ્યા છે. હાલમાં તેને કોર્ટમાં રજૂ કરતાં પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’

Mumbai mumbai news thane thane crime mehul jethva