10 February, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નમ્રમુનિ મહારાજ સાહેબ
શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘ-ઘાટકોપરમાં રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની ૩૫મી દીક્ષા જયંતીના અવસરનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ઘાટકોપરના સમસ્ત શ્રી સ્થાનકવાસી જૈન સંઘની ઉપસ્થિતિમાં શુભેચ્છા વંદનાની અર્પણતા કરવામાં આવશે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની ૩૫મી દીક્ષા જયંતી નિમિત્તે ઘાટકોપરના શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘના આંગણે શુભેચ્છા અભિવંદનાનો કાર્યક્રમ આજે સવારે ૯ વાગ્યે યોજાશે. પરમ ગુરુદેવને દીક્ષા જયંતી શુભેચ્છા વંદના અર્પણ કરવા પૂજનીય સંયમી આત્માઓ, ઘાટકોપરના શ્રી સમસ્ત સંઘો, ભાવિકો, મહિલા મંડળ આદિ ચતુર્વિધ સંઘ ઉપસ્થિત રહેશે.
સિહોર તાલુકાના દેવગાણા ખાતે આવેલું વિમલનાથ સ્વામી જિનાલય પોતાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ૧૬ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન કરશે. જૈન સંઘના ઉપક્રમે અને પ.પૂ.આ.ભ. શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા આ.ભ. શ્રીમદ વિજય રાજહંસસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાનારા આ મહોત્સવમાં પાંચ દિવસ સુધી ધાર્મિક આસ્થા અને ઉત્સવનો અદ્ભુત સંગમ જોવા મળશે. મહોત્સવ દરમ્યાન સામૈયાં, ભાવના, અષ્ટમંગલ, નવગ્રહ પૂજન, પાટલાપૂજન, ૧૮ અભિષેક સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભાવિકો માટે ભરત ક્ષત્રીય ભોજનાલય ખાતે ભોજનની વ્યવસ્થા તેમ જ પૂજ્ય ગુરુભગવંતો માટે ભવ્ય રંગમંડપનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના સમાપન પ્રસંગે દેરાસરના ભવ્ય દ્વારનું ઉદ્ઘાટન સંવત ૨૦૮૨ ફાગણ સુદ ચોથ, શનિવારે ૨૧ ફેબ્રુઆરીએ યોજાશે. જૈન સંઘ દ્વારા સર્વ ભાવિકોને આ ઐતિહાસિક અવસરનો લાભ લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.