13 October, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરેને મળવા અઠવાડિયામાં બીજી વાર માતોશ્રી પહોંચ્યા રાજ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેને મળવા અઠવાડિયામાં બીજી વાર માતોશ્રી પહોંચ્યા રાજ ઠાકરે, છેલ્લા ચાર મહિનામાં છઠ્ઠી મુલાકાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે રવિવારે તેમના કઝિન અને શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની મુલાકાતે ગયા હતા. જોકે આ મુલાકાત રાજનૈતિક નહીં પણ પારિવારિક હોવાનું કહેવાયું હતું. રાજ ઠાકરે તેમનાં મમ્મી સાથે ફૅમિલી લંચ માટે માતોશ્રી ગયા હતા. ગયા રવિવારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના પરિવારના એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પણ રાજ ઠાકરે માતોશ્રી ગયા હતા. ૮ દિવસમાં બીજી વાર ઠાકરે બંધુઓ એકબીજાને મળ્યા હતા.
થાણેમાં થતા બાંધકામમાં ચાલતી ગેરરીતિઓનો વિરોધ કરવા માટે આજે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની MNS સંયુક્ત રૅલી કાઢવાના છે. એક રીતે આ ગતિવિધિઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીની તૈયારીઓ હોવાની અટકળો છે, જેમાં બન્ને ઠાકરે ભાઈઓ સાથે ઝંપલાવે એવી સંભાવના છે.
શનિવારે થાણેમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. એકનાથ શિંદેનું સીધું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ તેમના પર આક્ષેપ કર્યો હતો કે તેમના કારણે થાણે હવે કૉન્ટ્રૅક્ટરો દ્વારા સંચાલિત શહેરમાં ફેરવાઈ ગયું છે.
ઉદ્ધવ ઠાકરેએ થાણેનાં વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવીને સોમવારે મુંબઈ, થાણે અને સમગ્ર રાજ્યમાં પબ્લિક ફન્ડની લૂંટના વિરોધમાં રૅલી કાઢવાની જાહેરાત કરી હતી.
શિવસેના (UBT) અને MNSએ હજી સુધી ગઠબંધનની જાહેરાત કરી નથી, પણ બન્ને પક્ષો સાથે મળીને સ્થાનિક ચૂંટણીઓ લડશે એવી ચર્ચાએ જોર પકડેલું છે.
ઠાકરે બંધુઓની રૅલીને પગલે થાણેમાં ટ્રાફિક ઍડ્વાઇઝરી જાહેર કરાઈ
થાણેમાં શિવસેના (UBT) અને MNSની સંયુક્ત રૅલીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ટ્રાફિક માટે ઍડ્વાઇઝરી રજૂ કરવામાં આવી છે. એ મુજબ સોમવારે બપોરે બે વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી અનેક રસ્તાઓ બંધ રહેશે અને અમુક રસ્તાઓ માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. બન્ને પક્ષના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ સહિત મોટી સંખ્યામાં સહભાગીઓ રૅલીમાં જોડાય એવી અપેક્ષા છે. તેથી નૌપાડા વિસ્તારમાં ભારે ટ્રાફિક જૅમ થશે. સગુના ફાર્મથી ગોખલે રોડ થઈને સત્યમ કલેક્શન આવતો રોડ ક્વીન્સ કૉર્નરથી બંધ રહેશે. આ ઉપરાંત ગણપતિ કારખાના અને પી. એન. ગાડગીળ ચોક તરફથી આવતા ટ્રાફિક માટે પૂરણપોળી ચોકથી એન્ટ્રી બંધ કરવામાં આવી છે. ગડકરી સર્કલ અને મુખ ચોક વિસ્તારમાં પણ વાહનવ્યવહાર બંધ રહેશે.