બહેનના ઘરે રાખડી બંધાવવા માટે પુણે ગયેલા થાણેના વેપારીના ઘરમાં ચોરી, ૧૨ લાખ રૂપિયાની મતા ગાયબ થઈ

12 August, 2025 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંતે ઘટનાની જાણ કરવામાં આવતાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં CCTVના માધ્યમથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

થાણે-વેસ્ટના ચરઈમાં જુગલબાગ નજીક આવેલી કાપડી ચાલમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૪૭ વર્ષના સુદેશ કાપડીના ઘરનું તાળું તોડીને ગઠિયાઓ ૧૨ લાખ રૂપિયાની મતા તફડાવી ગયા હોવાની ફરિયાદ નૌપાડા પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. રક્ષાબંધન નિમિત્તે સુદેશ પુણેમાં રહેતી બહેનના ઘરે રાખડી બંધાવવા ગયો હતો એ સમયે ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાપડી ચાલ નજીક લાગેલા ક્લોઝ્‍‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નૌપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુદેશ શનિવારે સાંજે પાંચ વાગ્યે પરિવાર સાથે પુણેમાં રહેતી તેની બહેનના ઘરે રાખડી બંધાવવા ગયો હતો એ દરમ્યાન રવિવારે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું. અંદર જઈને તપાસ કરતાં કબાટ તૂટેલો જોવા મળ્યો હતો અને એમાંથી સોનાનો હાર, ચેઇન, વીંટી સહિતના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું. એ ઉપરાતં મંદિરમાંથી ભગવાનની મૂર્તિ સહિત એના પરનાં ઘરેણાં પણ ચોરાયાં હોવાની જાણ થઈ હતી. અંતે ઘટનાની જાણ કરવામાં આવતાં અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં CCTVના માધ્યમથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

thane raksha bandhan festivals crime news mumbai crime news news mumbai mumbai news mumbai police