11 September, 2025 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેના ઘોડબંદર રોડ પરની એક જાણીતી સોસાયટીમાં રહેતી ૩૭ વર્ષની પરિણીત મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરીને તેને પ્રેમની જાળમાં ફસાવી આશરે પાંચ લાખ રૂપિયાના દાગીના પડાવી જનાર ૨૬ વર્ષના નીતેશ બાબરની થાણેની ચિતલસર પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. આરોપીએ મહિલા સાથે મિત્રતા કર્યા બાદ પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ મહિલાના પરિવારની ગેરહાજરીમાં મહિલાના ઘરે આવી વિવિધ કારણો કહીને સોનાના દાગીના પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતીના આધારે આરોપીએ પડાવેલા દાગીનાને રિકવર કરવા માટેના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
શું હતો ઘટનાક્રમ?
ચિતલસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ વરુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડંબદર રોડ પરની એક સોસાયટીમાં પતિ અને ૧૫ વર્ષના પુત્ર સાથે રહેતી મહિલાની આશરે બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર નીતેશ સાથે મિત્રતા થઈ હતી. તેણે મહિલા સાથે એકથી બે અઠવાડિયાં સુધી મિત્ર બનીને વાત કર્યા બાદ પ્રેમ પ્રપોઝ કર્યો હતો. એની સામે મહિલાએ પણ સંમતિ દર્શાવી હતી. દરમ્યાન ૨૦૨૪ના અંતમાં નીતેશ મહિલાના પરિવારની ગેરહાજરીમાં તેના ઘરે આવ્યો હતો. એ સમયે તેણે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું કહીને મહિલાનું મંગળસૂત્ર ગિરવી રાખવા માટે લીધું હતું. ત્યાર બાદ સતત આશરે પાંચ લાખ રૂપિયાના દાગીના ગિરવી રાખવા માટે લીધા હતા. દરમ્યાન ઑગસ્ટ મહિનાના અંતમાં મહિલાએ પોતાના દાગીના પાછા માગ્યા ત્યારે આરોપીએ એ દાગીના બૅન્કમાંથી છોડાવવા માટે બીજા ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એ પૈસા પણ મહિલાએ આપ્યા બાદ આરોપીએ મહિલાને દાગીના પાછા આપ્યા નહોતા. અંતે મહિલાએ આરોપી સામે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમારી ટીમે તાત્કાલિક તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ તમામ દાગીના વેચી નાખ્યા હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’