✕

થાણેના દિવામાં વહેલી સવારે ભીષણ આગ, પાર્ક કરેલા ૨૩ વાહનો બળીને ખાખ

13 October, 2026 10:39 AM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane Fire: થાણેના દિવા વિસ્તારમાં આવેલા સબેગાંવમાં આજે વહેલી સવારે લાગી આગ; રસ્તા કિનારે પાર્ક કરેલા ૨૨ ટુ-વ્હીલર અને એક ઓટો-રિક્ષા બળીને સંપૂર્ણપણે ખાખ; દ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં; પોલીસે આગળની તપાસ હાથ ધરી

તસવીરઃ મિડ-ડે

થાણે (Thane) જિલ્લાના દિવા (Diva) વિસ્તારમાં આવેલા સબેગાંવ (Sabegaon)માં મંગળવાર, ૧૩ ઓક્ટોબરની વહેલી સવારે એક ભયાનક આગ ફાટી નીકળતા રસ્તા કિનારે પાર્ક કરેલા ૨૩ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. અચાનક લાગેલી આ આગે (Thane Fire) ૨૨ દ્વિચક્રી વાહનો (બાઈક-સ્કૂટર) અને એક ઓટો-રિક્ષાને પોતાની લપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ભારે નાણાકીય નુકસાન થયું છે. ઈમરજન્સી સેવાઓએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. નાગરિક સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

આ દુર્ઘટના સબેગાંવના દિવા નેશનલ ઈંગ્લિશ સ્કૂલ હોલ (Diva National English School Hall) પાછળ આવેલી આદર્શ વિદ્યાલય (Adarsh Vidyalaya)ની સામે વહેલી સવારે આશરે ૨:૦૨ વાગ્યાની આસપાસ બની હતી.

મોડી રાત્રે રસ્તા કિનારે પાર્ક કરેલા વાહનોમાં આગ ભભૂકી ઊઠી

સ્થાનિક રહીશો વાહનોના ટાયર અને ફ્યુઅલ ટેન્ક ફાટવાના જોરદાર અવાજો તથા ધુમાડાના ગોટા જોઈને જાગી ગયા હતા. ઝડપથી ફેલાઈ રહેલી આગને જોઈને નાગરિકોએ તુરંત જ એલાર્મ વગાડ્યો હતો અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Regional Disaster Management Cell - RDMC) તથા ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ને જાણ કરી હતી.

ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં, આસપાસના રહીશોએ આગને બાજુની રહેણાંક ઈમારતો અને કોમર્શિયલ દુકાનો સુધી ફેલાતી રોકવા માટે ડોલ વડે પાણી છાંટીને પ્રાથમિક સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

ઈમરજન્સી ટીમોએ એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની માહિતી મળતા જ એક ફાયર એન્જિન અને એક સ્પેશિયલાઈઝ્ડ રેસ્ક્યૂ વાહન સહિતના ઈમરજન્સી યુનિટ્સ તાત્કાલિક સ્થળ પર ધસી આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ વિસ્તારને કોર્ડન કરવા અને કામગીરી સરળ બનાવવા માટે પહોંચી ગઈ હતી.

ફાયર ફાઈટરોએ સતત એક કલાક સુધી મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડે સવારે ૩:૧૬ વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી. જોકે, ૨૨ મોટરસાઈકલ/સ્કૂટર અને ૧ ઓટો-રિક્ષા સહિત તમામ ૨૩ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને માત્ર કાટમાળ જ બચ્યો હતો.

આગનું કારણ જાણવા પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા તપાસ શરૂ

સ્થાનિક સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વહેલી સવારે લાગેલી આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ હાલમાં ઈલેક્ટ્રિક કે ગેસ વાહનમાં શોર્ટ સર્કિટ તેમજ કોઈ અજાણ્યા તત્વો દ્વારા આચરવામાં આવેલી અસામાજિક પ્રવૃત્તિ (આગ ચાંપવી) સહિતની તમામ શક્યતાઓ ચકાસી રહ્યા છે.

સ્થાનિક પોલીસે વાહનોના માલિકોના નિવેદનો નોંધવાની સાથે ઘટનાનો સિલસિલો સમજવા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે રહીશોએ સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓને સ્ટ્રીટ લાઈટો સુધારવા અને સબેગાંવમાં નાઈટ પેટ્રોલીંગ વધારવા અપીલ કરી છે.

fire incident thane diva junction thane municipal corporation mumbai mumbai news mumbai police mumbai fire brigade