ટેન્ડર કરોડો રૂપિયાનું પાસ કર્યું, પણ કામમાં જરાય ભલીવાર નહીં

19 March, 2023 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં રોજ કચરાનું કલેક્શન કરવું, ટ્રાન્સપોર્ટેશન કરવું, એ ડમ્પિંગ યાર્ડમાં લઈ જઈને ઠાલવવો વગેરેનો કરોડોનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે, પણ ટેન્ડરની જોગવાઈઓ પૂરી કરવામાં કૉન્ટ્રૅક્ટરને કોઈ રસ નથી

પ્રતીકાત્મક તસવીર

થાણે મહાનગરપાલિકા દ્વારા એના રોજના કચરાનું કલેક્શન કરવું, એનું ટ્રાન્સપોર્ટેશન કરવું અને એ ડમ્પિંગ યાર્ડમાં લઈ જઈને ઠાલવવાનો કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. જોકે એ ટેન્ડરમાં નોંધાયેલી જોગવાઈઓ પૂરી કરવામાં કૉન્ટ્રૅક્ટર દ્વારા કોઈ રસ દાખવવામાં આવતો નથી અને લોકોના ટૅક્સનો કરોડો રૂપિયાનો કારભાર ‘હોતા હૈ ચલતા હૈ’ પ્રમાણે ચાલી રહ્યો છે. એથી આ સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના થાણે એકમના પ્રમુખ સ્વપ્નિલ મહિન્દ્રકર દ્વારા ટીએમસીના કમિશનરને રજૂઆત કરાઈ છે અને એ બાબતે પગલાં લેવા જણાવાયું છે.

થાણેમાં રોજનો ૬૭૦ ટન કચરો નીકળે છે, જેને થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર ટેમ્પો અને ટ્રક દ્વારા વાગળે એસ્ટેટના કલેક્શન સેન્ટર સુધી લાવવામાં આવે છે. ત્યાં એના પર પ્રક્રિયા કરીને ત્યાર બાદ એનો નિકાલ કરવા ડમ્પિંગ યાર્ડમાં મોકલવામાં આવે છે. જોકે વાગળે એસ્ટેટના આ કલેક્શન સેન્ટરને કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવા છતાં અને એમાં જોગવાઈઓ રાખવા છતાં ત્યાંની હાલત બહુ જ ખરાબ છે. એ કલેક્શન સેન્ટરની બાજુમાં જ નાળું છે, પણ કલેક્શન સેન્ટરની આસપાસ દીવાલ ઊભી ન કરતાં માત્ર પતરાં નાખીને આડશ ઊભી કરાઈ છે અને ઘણી જગ્યાએ તો પતરાં જ નથી. એથી ત્યાંનો કચરો બાજુમાં આવેલા નાળામાં પડે છે અને નાળું ચૉક-અપ થાય છે. બીજું, એ કચરા પર જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય છે એ નિયિમત કરાતો નથી અને એથી એમાંથી ભારે દુર્ગંધ આવે છે અને એને કારણે નજીકના રહેણાક વિસ્તારમાં રહેતા લોકોએ હેરાનગતિનો ભોગ બનવું પડે છે. આ ઉપરાંત ત્યાં કચરો કલેક્ટ કરીને આવતી ગાડીઓનું વજન કરવા ઇલેક્ટ્રૉનિક વજનકાંટો બેસાડવાનું નક્કી થયું હતું. એ માટેનો કન્ટ્રોલ રૂમ બનાવવો અને એ જગ્યાએ ટેક્નિકલ સ્ટાફ બેસાડવો એવી જોગવાઈ કરવાનું ટેન્ડરમાં જણાવાયું હતું. જોકે એ ન કરતાં હાલની તારીખે પણ સાદો કાંટો અને માણસ દ્વારા એની હાથે લખેલી એન્ટ્રી બુકમાં કરાય છે. વળી એ જગ્યાએ કચરો લઈને આવતી હેવી ગાડીઓને આવવા-જવામાં સરળતા રહે એ માટે કૉન્ક્રીટનો રોડ બનાવવાનો હતો એ પણ બનાવાયો નથી અને હેવી ગાડીના ચાસ કચરાવાળી ભીની જમીનમાં ઊંડે સુધી પડતાં જમીન અસમથળ થઈ જાય છે અને વાહનોને પણ વધુ ઘસારો પહોંચે છે. આમ એક નહીં, અનેક બાબતો અહીં સુધારો માગી રહી છે એટલે એમએનએસ દ્વારા ટીએમસીના કમિશનર સહિત સંબંધિત ડિપાર્ટમેન્ટના હેડને પત્ર લખી જાણ કરાઈ છે. 

mumbai thane mumbai news maharashtra navnirman sena