17 August, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
લાંબા સમયથી ઠાકરે બંધુઓ સાથે આવે એવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે ત્યારે સંજય રાઉતે ગઈ કાલે નાશિકમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ અને રાજ સાથે મળીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી લડશે. એ સિવાય તેઓ થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને નાશિક સુધરાઈની ચૂંટણી પણ સાથે લડે એ માટે વાતચીત ચાલી રહી છે.’
મુંબઈ સુધરાઈની ૨૨૭ બેઠકોની અને અન્ય સુધરાઈની ચૂંટણીઓ ૨૦૨૫ના અંતમાં અથવા ૨૦૨૬ની શરૂઆતમાં થવાની શક્યતા છે. છેલ્લે ૨૦૧૭માં થયેલી BMCની ચૂંટણી વખતે એ વખતની અખંડ શિવસેનાએ ૮૪ બેઠકો મેળવી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૮૨ બેઠકો મેળવી હતી. આમ એ વખતે BJPએ શિવસેના કરતાં માત્ર બે જ બેઠકો ઓછી મેળવી હતી. MNSને એ વખતે ૭ બેઠકો મળી હતી, પણ એના ૬ નગરસેવકો ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાઈ ગયા હતા.
સંજય રાઉતે ઉપરોક્ત નિવેદન કર્યા બાદ થોડી જ વારમાં BJPના નેતા પ્રવીણ દરેકરનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ‘છેલ્લાં ૨૦ વર્ષમાં તેમણે (ઉદ્ધવ ઠાકરેએ) રાજ ઠાકરે કે MNSને ક્યારેય ગંભીરતાથી લીધાં જ નહોતાં. હવે ટકી રહેવા માટે તેઓ રાજ ઠાકરે સાથે યુતિ કરવાની વાત કરી રહ્યા છે.’
એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘ભલે કોઈ પણ યુતિ કરે, એનાથી ખાસ કશો ફરક નહીં પડે. મહાયુતિ આ વખતે મોટા ભાગની સુધરાઈઓમાં એના મેયર બેસાડશે.’
બન્ને માટે કરો યા મરો
૨૦૨૨માં એકનાથ શિંદેએ શિવસેનાની ધુરા સંભાળી એ પછી રાજ્યના રાજકારણમાંથી મહત્ત્વ ગુમાવી રહેલી શિવસેના (UBT)ના ૮૪માંથી ૫૩ નગરસેવકો એકનાશ શિંદે સાથે જોડાઈ ગયા છે. એથી આ વખતે હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બન્ને માટે કરો યા મરો જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે તેઓ સાથે આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે ગમે એ ભોગે BMC પોતાની પાસે જાળવી રાખવા માગે છે, જ્યારે BJP અને સાથી પક્ષો એ તેમની પાસેથી ઝૂંટવી લેવાની કોશિશમાં છે.