મરાઠા આંદોલન પર મુંબઈ પોલીસનું કડક વલણ, ૨૬ જાન્યુઆરીએ શહેરમાં પ્રવેશશો તો...

25 January, 2024 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન (Maratha Andolan) ઝડપથી વેગ પકડી રહ્યું છે. મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગે પાટિલના મોરચાને મુંબઈ પોલીસે મંજૂરી આપી નથી

મનોજ જરાંગે. તસવીર: પીટીઆઈ

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન (Maratha Andolan) ઝડપથી વેગ પકડી રહ્યું છે. મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગે પાટિલના મોરચાને મુંબઈ પોલીસે (Mumbai Police) મંજૂરી આપી નથી. મરાઠા મોરચા 26 જાન્યુઆરીએ મુંબઈ પહોંચશે. આ પહેલા પણ મુંબઈ પોલીસે મરાઠા મોરચો કાઢનારાઓને નોટિસ પાઠવી હતી. જો કાયદાનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પોલીસે કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને જરાંગે પાટિલ વચ્ચે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મરાઠા આરક્ષણ પર ચર્ચા થશે. મહારાષ્ટ્ર સરકારે જરાંગે પાટીલ પાસેથી 10 વાગ્યા સુધીનો સમય માગ્યો હતો. સરકારે આ અંગે હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

અગાઉ, બોમ્બે હાઈકોર્ટે બુધવારે મરાઠા આરક્ષણ (Maratha Andolan) કાર્યકર્તા મનોજ જરાંગે અને તેના સમર્થકોના મુંબઈમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ મહારાષ્ટ્ર સરકારને શહેરના રસ્તાઓ અવરોધિત ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ શ્યામ ચાંડકની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં અને શહેરના રસ્તાઓ ખોરવાઈ ન જાય તે માટે જરૂરી પગલાં લેવાની સરકાર પાસે સત્તા છે.

મરાઠા આંદોલન ક્યાંથી શરૂ થયું?

જારંગે (Maratha Andolan) 20 જાન્યુઆરીના રોજ જાલના જિલ્લાના તેમના ગામ અંતરવાલી સરતીથી મુંબઈ સુધીની કૂચ કરી હતી, જેમાં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણી કરવામાં આવી હતી. રસ્તામાં હજારો સમર્થકો માર્ચમાં જોડાયા હતા. કોર્ટે કહ્યું કે, “રાજ્ય જાહેર રસ્તાઓને અવરોધવા માટે તમામ જરૂરી પગલાં લેશે અને આંદોલનકારીઓ એકઠા થઈ શકે અને તેમનું શાંતિપૂર્ણ આંદોલન ચલાવી શકે તે માટે યોગ્ય સ્થળે જાહેર સ્થળની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

`આંદોલનથી કાયદો અને વ્યવસ્થા બગડશે`

કોર્ટે આ આદેશ ગુણરતન સદાવર્તે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પસાર કર્યો હતો, જેમણે ભૂતકાળમાં મરાઠા આરક્ષણ અંગે મહારાષ્ટ્ર સરકારના અગાઉના નિર્ણય સામે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં તેમણે જરંગના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતાં જણાવ્યું હતું કે, આનાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. બેન્ચે જરાંગેને નોટિસ જાહેર કરી હતી અને કેસની આગામી સુનાવણી માટે 14 ફેબ્રુઆરી નક્કી કરી હતી.

મુંબઈમાં 6 ફેબ્રુઆરી સુધી નહીં થઈ શકે આ કામ, કલમ 144 લાગુ

આવતીકાલે જ પ્રજાસત્તાક દિવસ છે. દાદરના શિવાજી પાર્ક ખાતે મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થયા હતા. કોઈપણ અકસ્માત અથવા અન્ય ઘટનાઓને ટાળવા માટે મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી નાખી છે.

આ સાથે જ મુંબઈ પોલીસે જાહેર કરેલ માર્ગદર્શિકા અનુસાર શહેરમાં 6 ફેબ્રુઆરી સુધી પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમો, ડૉગ સ્ક્વોડનો ઉપયોગ ભીડભાડ, મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

maratha kranti morcha republic day mumbai police mumbai mumbai news