મુલુંડના એક નંબરના પ્લૅટફૉર્મ પર બે થેલીમાં બૉમ્બ રાખવામાં આવ્યા છે

17 April, 2024 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજાણી વ્યક્તિએ આવો ફોન કરીને બૉમ્બ અને ડૉગ-સ્ક્વૉડ, રેલવે પોલીસ, RPF અને સ્થાનિક પોલીસને કરી દોડતી

પ્રતીકાત્મક તસવીર

ચાર કલાક સુધી તપાસ કર્યા પછી પણ કંઈ ન મળતાં ખોટી માહિતી આપનાર સામે પોલીસે ફરિયાદ નોંધી

મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર બે થેલીમાં બૉમ્બ રાખવામાં આવ્યા છે એવી માહિતી સોમવારે રાત્રે એક વ્ય​ક્તિએ ફોન કરીને રેલવે પોલીસના કન્ટ્રોલ-રૂમમાં આપી હતી. એની તપાસ માટે બૉમ્બ અને ડૉગ-સ્ક્વૉડ, રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક પોલીસે આશરે ચાર કલાક સુધી સ્ટેશનના ખૂણેખૂણામાં તપાસ કરી હતી. એની સાથે સ્ટેશનના ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસ્યાં હતાં. જોકે ફોન પર મળેલી માહિતી જેવું કંઈ સામે ન આવતાં રેલવે પોલીસ અને RPFને અડધી રાત્રે દોડાવનારી અજાણી વ્ય​ક્તિ સામે ખોટી માહિતી આપવા માટેની ફરિયાદ કુર્લા રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

રાજ્યમાં ઇલેક્શનનો માહોલ છે ત્યારે તમામ સરકારી એજન્સીઓ અલર્ટ પર છે એમ જણાવીને કુર્લા રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અજાણી વ્યક્તિએ સોમવારે રાત્રે ૯.૫૭ વાગ્યે ૧૧૨ નંબર પર કન્ટ્રોલ-રૂમમાં ફોન કરીને મુલુંડ સ્ટેશન પર બે થેલીમાં બૉમ્બ હોવાનું કહ્યું હતું એટલે અમે તરત ઍક્ટિવ થયા હતા. અમે પહેલાં તો એક નંબરનું પ્લૅટફૉર્મ ખાલી કરાવી દીધું હતું. એની સાથે સિટી પોલીસની મદદથી સ્ટેશનની બહાર બેસતા ફેરિયાઓને હટાવી દીધા હતા. અમારી સાથે રેલવે ક્રાઇમ બ્રાન્ચ અને RPFએ આખું સ્ટેશન તપાસ્યું હતું. એમાં ફોન પર મળેલી માહિતી જેવું કંઈ સામે ન આવતાં જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેના નંબર પર અમે ફોન કર્યો ત્યારે તે મજાક કરી રહી હોય એવું સામે આવ્યું હતું. અંતે ચાર કલાક સરકારી યંત્રણાને મજાક માટે દોડાવનાર વ્યક્તિ સામે અમે ફરિયાદ નોંધી છે. હાલમાં તેનો નંબર બંધ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai news mulund mumbai police