મુલુંડ પોલીસનો અજબ કારભાર

26 November, 2021 08:23 AM IST  |  Mumbai | Mehul Jethva

સાઇકલ-ચોરીની ફરિયાદ પણ નહીં નોંધવાની અને ફરિયાદી પાસે સાઇકલ શોધવા માટે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ કઢાવવાનાં

સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ભેગાં કરી પોલીસ સ્ટેશન પર આવેલો ફરિયાદી યોગેશ મુડિયાર અને તેની ચોરી થયેલી સાઇકલ.

મુલુંડની એક દુકાનમાં કામ કરતા યુવકની સાઇકલ ઝવેર રોડ પરથી ચોરાઈ ગઈ હતી. એ સાઇકલ તેણે એક વર્ષ મહેનત કરીને લોન પર લીધી હતી, જેનાં હજી ચાર ઇન્સ્ટૉલમેન્ટ ભરવાનાં બાકી હતાં. આ સાઇકલની ચોરી થતાં એની ફરિયાદ કરવા તે મુલુંડ પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસે સાઇકલની ફરિયાદ નોંધવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી એક સામાજિક કાર્યકરે પોલીસને તેની ફરિયાદ નોંધવા જણાવ્યું હતું, પણ ફરિયાદ નોંધ્યા વગર જ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરવા આવી હતી, પણ જેની સાઇકલ ચોરાઈ હતી તેને જ આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ કાઢી આપવા કહ્યું હતું.
૧૧ નવેમ્બરે મુલુંડ-વેસ્ટમાં ઝવેર રોડ પરથી યોગેશ મુડિયારની સાઇકલ ચોરાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કર્યા પછી પણ સાઇકલનો પત્તો ન લાગતાં તે મુલુંડ પોલીસ સ્ટેશનમાં સાઇકલ ચોરી થયાની ફરિયાદ કરવા ગયો હતો. ત્યાં હાજર ઑફિસરે સાઇકલ ચોરીની ફરિયાદ અમે નોંધતા નથી એમ કહી તેને ત્યાંથી બહાર કાઢ્યો હતો. એ પછી યોગેશે એક સામાજિક ઍક્ટિવિસ્ટનો સંપર્ક કર્યો હતો. ઍક્ટિવિસ્ટે બે પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો જેમાંના પોલીસ કૉન્સ્ટેબલ રાહુલ પવારે ઍક્ટિવિસ્ટને કહ્યું હતું કે સાઇકલ અમે શોધી આપીશું, પણ યોગેશે એ માટે જ્યાંથી સાઇકલ ચોરી થઈ છે એની આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ કાઢીને અમને આપવા પડશે. એ પછી આસપાસની બે દુકાનની બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ યોગેશે કાઢીને અધિકારીને મોકલી આપ્યાં હતાં. જોકે એ પછી પણ પોલીસ દ્વારા કોઈ ઍક્શન લેવામાં આવી નહોતી.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં યોગેશ મુડિયારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું થાણેમાં રહું છું અને મુલુંડમાં નોકરી પર આવું છું. લૉકડાઉનમાં ટ્રેનો બંધ હોવાથી મેં દુકાનમાં કામ પર આવવા લોન પર સાઇકલ લીધી હતી, જેના ચાર ઇન્સ્ટૉલમેન્ટ ભર્યાં છે અને બાકીનાં હજી ભરવાનાં બાકી છે. જોકે એ પહેલાં જ મારી સાઇકલ ચોરી થઈ જતાં હું ભારે પરેશાનીમાં મુકાયો છું. પોલીસ પણ મારી મદદ કરવા તૈયાર નથી. હું કોની પાસે જઈ ફરિયાદ કરું એ મને સમજમાં નથી આવતું. હું જ્યારે પણ પોલીસ સ્ટેશને જાઉં છું ત્યારે જુદા-જુદા અધિકારીઓ બેઠા હોય છે, પણ કોઈ મારી ફરિયાદ સાંભળતું નથી.’
મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રવિદત્ત સાવંત સાથે આ સંદર્ભમાં વાત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસ સંદર્ભે મને કોઈ માહિતી નથી. તમે ફરિયાદીને મારી પાસે મોકલી આપો.’

Mumbai mumbai news mehul jethva mulund