અહો આશ્ચર્યમ્ : ઘાટકોપરમાં બે શૌચાલય રાતોરાત ગાયબ

24 January, 2022 10:42 AM IST  |  Mumbai | Mehul Jethva

શુક્રવારે રાતે કેટલાક યુવકો આખાં શૌચાલયો તોડી એનો કાટમાળ ઉપાડીને નાસી ગયા : સુધરાઈના અધિકારીઓએ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

શૌચાલય

ઘાટકોપર-વેસ્ટમાં નિત્યાનંદનગરમાં આવેલાં બે સાર્વજનિક શૌચાલય એકાએક ગાયબ થયાં હોવાની ઘટના પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ૨૦૦૧માં પાલિકા દ્વારા આ શૌચાલય સ્થાનિક વિસ્તારમાં રહેતા સ્લમના લોકો માટે બાંધવામાં આવ્યાં હતાં. રાતના સમયે અજ્ઞાત વ્યક્તિઓ ટૉઇલેટ તોડી એનો કાટમાળ ઉપાડીને ત્યાંથી નાસી ગઈ હતી. એ પછી સ્થાનિક લોકોએ સુધરાઈને જાણ કરતાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી.
ઘાટકોપરમાં ચોરોએ હદ પાર કરતાં સુધરાઈએ બાધેલાં બે સાર્વજનિક શૌચાલય જ ગાયબ કરી દીધાં હતાં. નિત્યાનંદનગરમાં આવેલા વૈતાગવાડી વિસ્તારમાં સુધરાઈ દ્વારા ૨૦૦૧માં સ્થાનિક લોકો માટે બે શૌચાલયો બાંધવામાં આવ્યાં હતાં. એમાં એક શૌચાલયમાં આઠ બાથરૂમની વ્યવસ્થા હતી. વૈતાગવાડી વિસ્તારમાં રહેતા આશરે ૪૦૦ લોકો વચ્ચે આ શૌચાલયો બાધવામાં આવ્યાં હતાં. શુક્રવારે રાતે કેટલાક યુવકો શૌચાલયમાં પ્રવેશી આખું શૌચાલય તોડી એનો કાટમાળ ઉપાડી ગયા હતા. એની માહિતી રહેવાસીઓ દ્વારા સુધરાઈને અપાતાં પ્રશાસને એની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશમાં નોંધાવી હતી.
ઘાટકોપર ‘એન’ વૉર્ડના ઘનકચરા વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને માહિતી મળી હતી કે અહીંનાં શૌચાલયો તોડી પાડીને એનો કાટમાળ કોઈ ઉપાડી ગયું છે. અમારા અધિકારીઓ પાસેથી એની માહિતી લીધી તો અમારા દ્વારા આવું કોઈ કાર્ય અહીં કરવામાં આવ્યું નહોતું. ત્યાર પછી અમે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ ઘાટકોપરના ચિરાગનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે.’  

mumbai mumbai news ghatkopar mehul jethva