26 November, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાયગાંવ વિસ્તારમાં આવેલો નવકાર ટાવર
નાયગાંવ-ઈસ્ટ વિસ્તારમાં આવેલી નવકાર ટાવર સોસાયટીમાં અગિયારમા માળની લૉબીની બારીમાંથી નીચે પટકાતાં ૬ વર્ષના મિલીત સુતારનું મંગળવારે સાંજે મૃત્યુ થયું હતું. આ મામલે નાયગાંવ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ હૃદયદ્રાવક ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આ માસૂમે હજી ૧૫ દિવસ પહેલાં જ પોતાની મમ્મીની છત્રછાયા ગુમાવી હતી. મમ્મીના મૃત્યુ બાદ પપ્પા દિનેશકુમારે તેને મહાબળેશ્વરની હૉસ્ટેલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો અને બુધવારે સવારે જ તેને ત્યાં લઈ જવાનો હતો જેના માટે માસૂમની બૅગ પણ પૅક થઈ ગઈ હતી, પરંતુ નવી જિંદગીની શરૂઆત થાય એ પહેલાં જ કાળનો પંજો ફરી વળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાયગાંવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હજારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે પોણાચાર વાગ્યાની આસપાસ મિલીત અગિયારમા માળની લૉબીમાં એક નાની બાળકી સાથે રમી રહ્યો હતો. રમતાં-રમતાં તે લૉબીની બારી પાસે મૂકેલા ચંપલના સ્ટૅન્ડ પર ચડ્યો હતો. બારી ખુલ્લી હોવાથી એનો ટેકો લેવા જતાં અચાનક તેનું સંતુલન બગડ્યું હતું અને તે સીધો નીચે પટકાયો હતો. નીચે રહેલી ફાયર-સેફ્ટીની પાઇપ પર પટકાવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સોસાયટીના રહેવાસીઓએ તાત્કાલિક તેને વસઈની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ સામે આવ્યાં છે જેમાં તે બાળકી સાથે રમતો હોવાનું સ્પષ્ટ દેખાય છે.’
આ જ બિલ્ડરના બિલ્ડિંગમાં ગયા વર્ષે એક બાળકીનું આ જ રીતે મૃત્યુ થયું હતું
આ દુર્ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓમાં બિલ્ડરની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે લૉબીની બારીઓ પર સુરક્ષાજાળી લગાવવા માટે અવારનવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ પગલાં લેવાયાં નથી. અગાઉ ૨૦૨૫ની બાવીસ જુલાઈએ પણ આ જ બિલ્ડરના નવકાર સિટી ફેઝ-૧માં બારમા માળેથી પટકાતાં ૪ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું હતું છતાં તંત્ર અને બિલ્ડરે કોઈ બોધપાઠ લીધો નથી.