11 November, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
Sion Fire: મંગળવારે રાત્રે સાયનના પ્રતિક્ષાનગરમાં વડાલા પોલીસ ક્વાર્ટરના પાછળના ભાગમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક ત્રણ સિલિન્ડર ફાટવાને લીધે આગ વકરી હતી. આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. મંગળવારે મોડી રાત્રે એલ-૭ બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલ ચાલમાં આગ ફાટી નીકળ્યા બાદ ત્રણ ધમાકા થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગ તેમ જ સ્થાનિક દુકાનોના વચ્ચેના ભાગમાં આ આગનો બનાવ બન્યો હતો.
કેટલાક લોકો ઇન્જર્ડ થયા છે. તે તમામના વહારે સ્થાનિકો દોડી આવ્યા હતા. તમામને સારવારાર્થે (Sion Fire) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઇન્જર્ડ લોકોને તાકીદે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આગની પ્રચંડ જ્વાળાઓ અને ધમાકાઓને કારણે આખો વિસ્તાર હચમચી ઊઠ્યો હતો અને બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.
જ્યારે પહેલો ધમાકો (Sion Fire) સંભળાયો ત્યારે ત્યારે આગને જોવા પહોંચેલા સ્થાનિકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. જોકે તેઓને પરિસ્થિતિ આટલી વકરશે તેનો અંદાજ નહોતો. ગમે તેમ તોય પહેલો ધમાકો જ એટલો ભયાવહ હતો કે તે સંભળાતાં જ સહુ કોઈ જીવ મુઠ્ઠીમાં લઈને અમથી તેમ દોડવા લાગ્યા હતા. આગ અને બ્લાસ્ટ થયો ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓએ નીચે પરિસરમાં આવી ગયા હતા. જ્યારે કેટલાક લોકો રસ્તા પર દોડી ગયા હતા. આગની પ્રચંડ જ્વાળાઓ અને એક પછી એક થયેલ ત્રણ ધમાકા બાદ શું થયું છે તે જાણવા માટે આસપાસનાં બિલ્ડિંગમાંથી પણ રહેવાસીઓ દોડી આવ્યા હતા.
આગ (Sion Fire) ને ઓલવવા માટે ફાયરબ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. વડાલા ટીટી પોલીસકર્મીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં ટોળે વળેલા લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ચાંદીવલીમાં નહાર અમૃત શક્તિ રોડ પર કલ્પતરુ નામની બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ આખી બિલ્ડિંગમાં અફરાતફરીનો મહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આ આગ આખરે કયા કારણોસર લાગી હતી તે હજી સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી, તપાસ ચાલી રહી છે.