આફતાબ કેસમાં જેનો ડર હતો એ જ થયું

23 November, 2022 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફતાબના વકીલે કોર્ટને કહ્યું કે મારા અસીલે શ્રદ્ધાની હત્યા કરી હોવાનું કબૂલ્યું જ નથી: આફતાબની પોલીસ-કસ્ટડી ચાર દિવસ લંબાવાઈ

આફતાબ પૂનાવાલા

શ્રદ્ધા વાલકરની હત્યાના કેસના આરોપી આફતાબ પૂનાવાલાની પોલીસ-કસ્ટડી પૂરી થતાં ગઈ કાલે ફરી એક વાર તેને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે તેની કસ્ટડી ચાર દિવસ લંબાવી આપી છે. જોકે કોર્ટની એ કાર્યવાહી બાદ આફતાબના વકીલ અવિનાશકુમારે કહ્યું હતું કે ‘એવી જે વાતો ચાલી રહી છે કે આફતાબે હત્યા કરી હોવાનું કબૂલાતનામું આપ્યું છે એ અફવા છે અને તેણે એવું કોઈ જ કબૂલાતનામું આપ્યું નથી. તેણે એમ કહ્યું છે કે શ્રદ્ધા તેને ઉશ્કેરતી હતી અને એટલે તેમની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. એવું કોઈ પણ સ્ટેટમેન્ટ જેમાં તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું હોય એવું રેકૉર્ડ પર લેવાયું નથી.’

અવિનાશકુમારે કોર્ટ પાસે આફતાબને મળવાની પરવાનગી માગી હતી જે કોર્ટે તેને આપી છે.

દિલ્હીના અન્ય એક વકીલે દિલ્હી હાઈ કોર્ટમાં એવી અરજી કરી હતી કે શ્રદ્ધા મર્ડરકેસની તપાસ હાલ દિલ્હી પોલીસ કરી રહી છે એ તેમની પાસેથી લઈને સીબીઆઇને સોંપવામાં આવે. અપૂરતો સ્ટાફ અને લેટેસ્ટ ટેક્નૉલૉજીના અભાવને કારણે દિલ્હી પોલીસ કેસની ઝીણવટભરી તપાસ નહીં કરી શકે એવી શંકાના આધારે આ અરજી કરાઈ હતી. જોકે દિલ્હી કોર્ટે એ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે  દિલ્હી પોલીસ જે તપાસ કરી રહી છે એના પર વિશ્વાસ રાખો.    

બીજું, તપાસ દરમિયાન દિલ્હી પોલીસની ફૉરેન્સિક ટીમને મંગળવારે ફ્લૅટના બાથરૂમની ટાઇલ્સ પરથી કેટલાક પુરાવા મળ્યા છે જે વધુ તપાસ માટે મોકલાયા છે. જોકે એનો રિપોર્ટ આવતાં બે અઠવાડિયાં લાગશે. પૂછપરછ દરમિયાન આફતાબે એમ પણ કહ્યું હતું કે તેણે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા જે કરવત-ચાકુ વાપર્યાં હતાં એ ગુરુગ્રામનાં જંગલોમાં ફેંક્યાં હતાં. એટલે ગુરુગ્રામનાં જંગલોમાં પણ દિલ્હી પોલીસ એની શોધ ચલાવી રહી છે. સોમવારે પોલીસને જંગલમાંથી માનવ-ખોપડીમાંનું ઉપરની તરફનું જડબું મળી આવ્યું હતું. એ જડબું શ્રદ્ધાનું છે કે કેમ એની પણ તપાસ ચલાવાઈ રહી છે. જોકે એ તપાસકર્તાઓએ એમ કહ્યું હતું કે એવી જાણ થઈ છે કે શ્રદ્ધાએ વસઈમાં રહેતી હતી ત્યારે એક ડેન્ટિસ્ટ પાસે રૂટ કનૅલ કરાવી હતી. એથી જો તેની પાસે તેના જડબાનો એક્સ-રે હોય તો તપાસ બહુ ઝડપી અને આસાન બની શકે એમ છે.  

આફતાબ પોલીસને ચકરાવે ચડાવે છે 
આફતાબ તેનાં સ્ટેટમેન્ટ્સ વારંવાર ફેરવી રહ્યો છે અને પોલીસને પણ ચકરાવે ચડાવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે ૧૮ મેએ તેણે શ્રદ્ધાની હત્યા કરી, જ્યારે સામે પક્ષે દિલ્હી પોલીસનું કહેવું છે કે ‘આફતાબે હત્યાની જે તારીખ આપી છે એ વિશે અમને શંકા છે. અમારી તપાસ મુજબ એ હત્યા મે અને જૂન મહિના દરમિયાન થઈ હોવી જોઈએ. ૩૧ મે સુધી શ્રદ્ધાનો મોબાઇલ ઍક્ટિવ હતો અને એનું લોકેશન પણ મહરૌલી વિસ્તારમાં જ હતું. એથી આફતાબ જે કહી રહ્યો છે એ બધું સાચું જ હોય એ જરૂરી નથી. બીજું, તેણે એમ કહ્યું કે તેણે મૃતદેહના ટુકડા છત્તરપુર નજીકના જંગલમાં ફગાવી દીધા છે. તેને સાથે લઈને એ ટુકડા શોધવા ગયેલી પોલીસને તે ચોક્કસ જગ્યા દર્શાવતો હતો. જો તેણે મે મહિનામાં હત્યા કરી હોય અને રાતના બે વાગ્યા બાદ એ ટુંકડા ફેંકવા બહાર નીકળતો હતો તો જંગલના એ વિસ્તારની અલગ-અલગ જગ્યા તેને છ મહિના બાદ પણ આટલી ચોક્કસ કઈ રીતે યાદ રહી શકે? તે જે રીતે એ જગ્યા બતાવી રહ્યો છે એ જોતાં એવી શંકા જાગે છે કે તે બહુ ટૂંકા ગાળામાં એ જગ્યાએ પાછો આવ્યો છે. તો જ તે આટલો સ્પષ્ટ હોઈ શકે. એથી શક્ય છે કે તેણે હત્યા જૂનની આસપાસ કરી હોય અને ત્યાર બાદ ટુકડા થોડા વખત પહેલાં વસઈમાં તેની સામે  ફરિયાદ નોંધાઈ એ પછી ડિસ્પોઝ કર્યા હોય. અમે તપાસ દરમિયાન દરેક ઍન્ગલ તપાસી રહ્યા છીએ.   

પહેલા હૅક્સૉ બ્લેડ, હથોડી અને એ પછી પ્લાયવુડ કટર
દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવામાં પૂરતી કાળજી લીધી હતી જેથી એનો વ્યવસ્થિત નિકાલ કરી શકાય. તેણે પહેલાં હૅક્સૉ બ્લેડથી ટુકડા કર્યા, ત્યાર બાદ ખોપડી તોડવા હથોડી અને ખીલાનો ઉપયોગ કર્યો. એ પછી તે પ્લાયવુડ કટર લઈ આવ્યો હતો અને એના વડે બીજા ટુકડા કર્યા હતા. જોકે પ્લાયવુડ કટર મશીન હોવાથી એ વાપરતી વખતે એની મોટરનો અને કટિંગનો અવાજ પણ મોટેથી આવતો હોય છે એટલે એ દબાવવા તે કટર વાપરતો ત્યારે ફ્લૅટમાં મોટા અવાજે મ્યુઝિક ચાલુ કરી દેતો હતો જેથી પાડોશીઓ અને અન્ય કોઈને એની જાણ ન થાય. આફતાબે એમ પણ કહ્યું છે કે તેણે સૌથી પહેલા શ્રદ્ધાનાં ઇન્ટરનલ ઑર્ગન્સનો નિકાલ કર્યો હતો. જોકે પોલીસનું માનવું છે કે તેણે ઇન્ટરનલ ઑર્ગન્સ આંતરડાં વગેરેના નાના-નાના ટુકડા કરીને ટૉઇલેટમાં ફ્લશ કરી દીધાં હોવાં જોઈએ, કારણ કે તેનું મે મહિનાનું પાણીનું બિલ વધુ આવ્યું હતું. 

તપાસ દરમિયાન ઘણાં ફોનબિલ્સ મળી આવ્યાં
પોલીસને ફ્લૅટની તપાસ દ​રમિયાન અલગ-અલગ નંબરનાં ઘણાં બધાં ફોનબિલ મળી આવ્યાં છે. એટલે પોલીસનું માનવું છે કે તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ અલગ-અલગ ફોન-નંબર વાપર્યા હોઈ શકે. આ બાબતે પણ ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં મુંબઈ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને  ઉત્તરાખંડમાં તપાસ કરીને ૨૦થી ૨૫ લોકોનાં નિવેદન નોંધ્યાં છે.

જંગલમાંથી મળેલાં હાડકાં ધારદાર હથિયારથી કાપ્યાં છે
પોલીસને તપાસ દરમિયાન ગુરુગ્રામનાં જંગલોમાં જે જગ્યાએ આફતાબ લઈ ગયો હતો ત્યાંથી જે હાડકાં મળ્યાં છે એ ફૉરેન્સિકની ટીમે તપાસીને પ્રાથમિક માહિતી એવી આપી છે કે એ હાડકાં કોઈ ધારદાર હથિયારથી કપાયાં હોવાનું જણાઈ આવે છે. એથી શક્ય છે કે એ હાડકાં શ્રદ્ધાનાં હોઈ શકે. જોકે એની સચ્ચાઈ ડીએનએ ટેસ્ટ બાદ જ સાબિત થઈ શકે. અત્યાર સુધી જે હાડકાં મળ્યાં છે એમાં સાથળનું હાડકું, કાંડાનું હાડકું, કાંડાથી લઈને કોણી સુધીના હાથનું હાડકું, જડબાનો ઉપરનો ભાગ અને કરોડરજ્જુનું હાડકું મળી આવ્યાં છે.

mumbai news mumbai mumbai police new delhi