શ્રદ્ધાના પિતાનો આક્ષેપ : આફતાબ મારી પણ હત્યા કરવા માગતો હતો

05 January, 2023 08:14 AM IST  |  Mumbai | Diwakar Sharma

વિકાસ વાલકરે કહ્યું કે તેમની પત્નીના મૃત્યુને કારણે આ હત્યાનો ખુલાસો થયો

શ્રદ્ધાના પપ્પા વિકાસ વાલકર

શ્રદ્ધા વાલકરની હત્યા તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ કરી હતી એ વાત બહાર આવી, કારણ કે શ્રદ્ધા પેરન્ટ્સની સં‌પત્ત‌િમાં નૉમિની હતી. શ્રદ્ધાના પપ્પા વિકાસ વાલકરે ‘મિડ-ડે’ને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં ઑગસ્ટ ૨૦૨૨થી સાઇન લેવા માટે શ્રદ્ધાની શોધખોળ શરૂ કરી હતી. આફતાબે મને ઘણી વખત શ્રદ્ધા ગુમ થયાની ફરિયાદ નોંધાવવા દિલ્હી આવવાનું કહ્યું હતું.’

જોકે વિકાસ વાલકરને શંકા છે કે તેમને પણ શ્રદ્ધાની જેમ આફતાબ મારી નાખવા માગતો હતો. વિકાસ વાલકરે દાવો કર્યો છે કે આફતાબના પેરન્ટ્સ પણ હત્યાની વાત જાણતા હતા, પરંતુ તેઓ પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કરતા હતા. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે માણિકપુર પોલીસે કરેલી અધૂરી તપાસને કારણે આફતાબ પૂનાવાલાને પુરાવાનો નાશ કરવાનો સમય મળ્યો હતો. વિકાસ વાલકરે જણાવ્યું હતું કે ‘શ્રદ્ધાએ ઑક્ટોબર ૨૦૧૯થી અમારું ઘર છોડીને આફતાબ સાથે રહેવાનું શરૂ કર્યું હતું એ અમને ગમતું નહોતું. શ્રદ્ધા અમારું પહેલું સંતાન હોવાથી અમારી તમામ સં‌પત્ત‌િ, રોકાણ અને બૅન્ક-ખાતામાં નૉમિની તરીકે તેનું નામ હતું. મારી પત્ની હર્ષલાનું જાન્યુઆરી ૨૦૨૦માં મૃત્યુ થયું હતું એટલે હું બૅન્ક-ડીટેલમાં સુધારો કરાવવા માગતો હતો અને એ માટે નૉમિનીની સંમતિ જરૂરી હોવાનું બૅન્કના અધિકારીઓએ કહ્યું હતું. હું માત્ર શ્રદ્ધા સાથે ફોન પર સંપર્કમાં હતો, પણ તે બહુ ઓછી વાત કરતી હતી. આફતાબે જ શ્રદ્ધાને ઍડ્રેસ આપવાની ના પાડી હોવાની શંકા છે. મને બૅન્ક અને પોસ્ટ-ઑફિસના ડૉક્યુમેન્ટ્સ માટે તેની સહીની જરૂર હતી. મેં તેના મિત્રો સાથે વાત કરી હતી, પણ કોઈએ મને મદદ નહોતી કરી.’

કોરોનાને કારણે સરકારે લૉકડાઉન જાહેર કર્યું એ દરમ્યાન વિકાસ વાલકરે લૉકડાઉનમાં પાવર પ્રોડક્ટ્સ મૅન્યુફૅક્ચરિંગ વર્કશૉપનું કામકાજ પણ સમેટી લીધું હતું. તેમણે કહ્યું હતું કે ‘પ્રતિબંધ હટી જતાં મેં ફરીથી તેની શોધખોળ શરૂ કરી હતી. ૨૦૨૦ની ૧૪ સપ્ટેમ્બરે મારો દીકરો વસઈમાં તેના મિત્ર લક્ષ્મણને મળ્યો હતો. તેણે કહ્યું કે હું મે મહિનાથી તેના સંપર્કમાં નહોતો.’ 
વિકાસ વાલકરે વધુમાં કહ્યું હતું કે ‘ગયા વર્ષે ૨૩ સપ્ટેમ્બરે હું વસઈમાં આફતાબના પેરન્ટ્સના ઘરે ગયો ત્યારે તેની મમ્મીએ મને કહ્યું કે શ્રદ્ધા દિલ્હીમાં છે. અમે તેને જુલાઈમાં મળ્યાં હતાં. મેં શ્રદ્ધા ક્યાં રહે છે એ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે તમારી સાથે વાત કરવા નથી માગતી. મને શંકા જતાં મેં માણિકપુર પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’

પોલીસ સ્ટેશન જવાનું નાટક
માણિકપુર પોલીસની કામગીરી વિશે વાત કરતાં વિકાસ વાલકરે કહ્યું હતું કે ‘માણિકપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંપત પાટીલને હું મળ્યો હતો, પરંતુ તેમણે ગુમ થયાની ફરિયાદ લેવાની ના પાડીને દિલ્હી પોલીસનો સંપર્ક કરવાનું કહ્યું હતું. મારા આગ્રહને કારણે તેમણે આફતાબને  ૨૬ સપ્ટેમ્બરે બોલાવ્યો હતો. આફતાબ પપ્પા અમીન પૂનાવાલા અને કાકા સાથે આવ્યો ત્યાર બાદ તેઓ મારા ઘરે આવ્યા અને એવું નક્કી કર્યું કે આફતાબ દિલ્હીમાં ફરિયાદ નોંધાવશે. બીજી ઑક્ટોબરે આફતાબે મને ફોન કર્યો અને કહ્યું કે હું પોલીસ-સ્ટેશનમાં છું, પણ પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડે છે. ત્યાર બાદ ફોન એક વ્યક્તિને આપ્યો. મને તેની વાત શંકાસ્પદ લાગી એટલે મેં તેને પોલીસ-સ્ટેશનના લૅન્ડલાઇન નંબર પરથી ફોન કરવા કહ્યું, પરંતુ તેણે ના પાડતાં મારી શંકા દૃઢ બની હતી કે આફતાબ પોલીસ-સ્ટેશન ગયો જ નહોતો. દરમ્યાન આફતાબ મારા સંપર્કમાં રહેતો અને તપાસની માહિતી પૂછતો રહેતો હતો. તે મને ઘણી વખત દિલ્હી બોલાવતો હતો. હવે મારી આશંકા દૃઢ બની છે કે તે પણ મને શ્રદ્ધાની જેમ મારી નાખવા માગતો હતો.’

માણિકપુર પોલીસે સહાય ન કરતાં વિકાસ વાલકર ડીસીપી સંજય પાટીલને ત્રીજી ઑક્ટોબરે મળ્યા હતા અને આખરે ૧૨ ઑક્ટોબરે કેસ નોંધવામાં આવ્યો. એ વખતે આફતાબ અને તેના પપ્પા પણ હાજર હતા.

પોલીસની કાર્યવાહી 
વિકાસ વાલકરે કહ્યું હતું કે ‘માણિકપુર પોલીસે દિવાળીના દિવસે આફતાબને બોલાવ્યો હતો, પરંતુ મને જાણ નહોતી કરી. મારી હાજરીમાં આફતાબે શ્રદ્ધા વિશે કોઈ જવાબ આપ્યો નહોતો. પરિણામે પોલીસે મને બહાર બેસવા કહ્યું હતું. આફતાબ અને તેના પિતા ગયા બાદ પોલીસે મને આફતાબે શું કહ્યું એ વિશે કંઈ જણાવ્યું નહોતું. ચોથી નવેમ્બરે મને એપીઆઇ સચિન સાનપે દિલ્હી જવા કહ્યું હતું, પણ હું નહોતો ગયો.’

હત્યાની કબૂલાત
૧૦ નવેમ્બરે મને દિલ્હી પોલીસનો ફોન આવ્યો હતો એમ જણાવીને વિકાસ વાલકરે કહ્યું હતું કે ‘હું એ જ દિવસે સાંજે દિલ્હી ગયો હતો. એ દિવસે રાતે પોલીસ આફતાબને પણ લઈ આવી હતી. આફતાબે કહ્યું કે શ્રદ્ધા આ દુનિયામાં નથી. આફતાબે પોલીસને કહ્યું હતું કે શ્રદ્ધાની હત્યા બાદ તેણે તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. એ સાંભળીને હું ચોંકી ગયો હતો. જો સચિન સાનપે ગુમ થયાની ફરિયાદ બાદ આફતાબની ધરપકડ કરી હોત તો તેને પુરાવાનો નાશ કરવાનો સમય જ ન મળ્યો હોત.’

વાલકર-પરિવાર હજી સુધી તેના અંતિમ સંસ્કાર કરી શક્યો નથી, કારણ કે પોલીસે તેના શરીરના ટુકડાઓના નમૂના તેમને આપ્યા નથી. તપાસ પૂરી થયા બાદ સોંપાશે એવું પાલીસે તેમને જણાવ્યું છે.   

mumbai mumbai news Crime News vasai mumbai police diwakar sharma