શૉકિંગ : આરોપીના હાથે પોલીસ સ્ટેશનમાં થયું બર્થ-ડે સેલિબ્રેશન

24 September, 2022 09:44 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મીરા-ભાઈંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સામે આ પોલીસ સ્ટેશનમાં ૨૬ એફઆઇઆર નોંધવામાં આવ્યા છે : ભાઈંદરના નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સામે પોલીસ કમિશનરે આપ્યો આ ઘટનાની તપાસનો આદેશ

નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈના બર્થ-ડેનું સેલિબ્રેશન કરીને કેક ખવડાવી રહેલા અનેક કેસના આરોપી નરેન્દ્ર મહેતા.

પોલીસનું કામ જનતાને અપરાધીઓ સામે રક્ષણ આપવાનું છે, પણ જેની સામે ૨૬ જેટલા એફઆઇઆર (26 FIR Filled against Accused) નોંધવામાં આવ્યા છે એવા આરોપીના હાથે પોલીસ અધિકારીનું (Birthday Celebration at Police Station)પોલીસ સ્ટેશનમાં બર્થ-ડે સેલિબ્રેશન કરવામાં આવે તો શું કહેવાય?  

ભાઈંદર-પૂર્વમાં આવેલા નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈનો ૪ સપ્ટેમ્બરે બર્થ-ડે હતો. જેમની સામે ૨૬ એફઆઇઆર નોંધવામાં આવ્યા છે એવા આરોપી નરેન્દ્ર મહેતા જેઓ ભૂતપૂર્વ વિધાનસભ્ય છે તેમના હાથે સિનિયર ઇન્સ્પેક્ટરના જન્મદિવસની ઉજવણી તેમની કૅબિનમાં જ કરવામાં આવી હોવાની જાણ થયા બાદ આ મામલો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

જય શુક્લા નામના સ્થાનિક રહેવાસીએ આ મામલે રાજ્યના પોલીસવડા રજનીશ સેઠ અને મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ કમિશનર સદાનંદ દાતેને આ સંબંધે પત્ર લખીને સિનિયર ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

પોલીસ વડાને અને પોલીસ કમિશનરને લખવામાં આવેલા પત્રમાં નોંધ્યું છે કે ‘બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સામે બળાત્કાર, ખંડણી, છેતરપિંડી, ભ્રષ્ટાચાર સહિતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. નરેન્દ્ર મહેતા અને તેમનાં પત્ની સામે ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચારની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધી હતી. આ મામલામાં પોલીસે પતિ-પત્ની સામે કોઈ કાર્યવાહી નથી કરી. આવી સ્થિતિમાં આરોપીના હાથે પોલીસ અધિકારીનો બર્થ-ડે ઊજવવો એ ગંભીર બાબત છે.’

આ પણ વાંચો : ગુજરાતી સિનિયર સિટિઝન ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સામે ગિન્નાયા

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના કમિશનર સદાનંદ દાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવઘર પોલીસ સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈના બર્થ-ડેની ઉજવણી અનેક કેસના આરોપીના હાથે કરવામાં આવી હોવાની ફરિયાદ અમને મળી છે. મેં ઝોન-૧ના ‌ડીસીપી અમિત કાળેને તપાસ કરવાનું કહ્યું છે. તપાસમાં આવું થયું હોવાનું પુરવાર થશે તો સંબંધિત અધિકારી સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.’

prakash bambhrolia Mumbai mumbai news mumbai police