શિવસેના ઉત્તર પ્રદેશની તમામ ૪૦૩ બેઠક પરથી ચૂંટણી લડશે

13 September, 2021 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના પક્ષે દેશના સૌથી મોટા રાજ્ય તરફ નજર દોડાવી

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને સત્તા મેળવ્યા બાદ હવે શિવસેનાએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં નજર દોડાવી છે. આવતા વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં શિવસેનાએ તમામ ૪૦૩ બેઠક લડવાનો નિર્ણય લીધો છે. લખનઉમાં મળેલી પક્ષની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાયો હતો.
ઉત્તર પ્રદેશના શિવસેનાના પ્રદેશાધ્યક્ષ ઠાકુર અનિલ સિંહે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશની અત્યારની સરકારમાં બ્રાહ્મણો સાથે યોગ્ય વ્યવહાર નથી કરાઈ રહ્યો તેમ જ બેરોજગારીએ માઝા મૂકી છે. આવી પરિસ્થિતિમાં પક્ષ દ્વારા અહીંની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
શિવસેનાના નેતાએ એવું પણ કહ્યું હતું કે તેઓ લોકો શું કહે છે એ વાત સાંભળવામાં આવશે અને સત્તાધારી બીજેપીને પાઠ ભણાવવામાં આવશે. ચૂંટણીની તૈયારીરૂપે પક્ષ દ્વારા દરેક વિધાનસભા મતદાર ક્ષેત્રમાં સ્થિતિ મજબૂત કરવા માટે કો-ઑર્ડિનેટરોની નિયુક્તિ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ શિવસેનાનું પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્રની મુલાકાતે આવીને મુખ્ય પ્રધાન તેમ જ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળશે. શિવસેના દ્વારા બહાર પડાયેલા નિવેદન મુજબ આ પ્રતિનિધિમંડળ ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારીઓ અને સંગઠનનો રિપોર્ટ સોંપશે.
ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે પણ ઉત્તર પ્રદેશની તમામ ૪૦૩ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બીજેપી, સમાજવાદી, બહુજન સમાજવાદી પક્ષ, કૉન્ગ્રેસ સહિતના પક્ષો પહેલેથી જ ઉત્તર પ્રદેશની ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે ત્યારે શિવસેના અને આમ આદમી પાર્ટી જેવા પ્રાદેશિક પક્ષો દ્વારો પણ ચૂંટણીમાં ઝંપલાવવાના નિર્ણયથી અહીં આગામી ચૂંટણીમાં ભારે રસાકસી થવાની શક્યતા છે.

Mumbai mumbai news uddhav thackeray maharashtra uttar pradesh