આ છે લોકલ ટ્રેનનો સિરિયલ મોબાઇલચોર

25 June, 2021 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે દાદર સ્ટેશન પર એક પ્રવાસીનો મોબાઇલ લઈને ભાગવા જતાં પકડાઈ ગયો. આ પહેલાંના તેની સામે ૧૬ કેસ છે

આરોપી અશોક મંગલી

લૉકડાઉન ખૂલવાની સાથે લોકલ ટ્રેનોમાં પણ ભીડ જોવા મળે છે. એનો ફાયદો ઉઠાવીને મોબાઇલચોર પણ સક્રિય થઈ ગયા છે. રેલવે પોલીસે ગઈ કાલે એક મોબાઇલચોરની ધરપકડ કરી હતી જેના પર મોબાઇલચોરીના ૧૬ ગુના રેલવેનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ છે. આ આરોપીની આ પહેલાં ચારથી પાંચ વખત અન્ય પોલીસે પણ ધરપકડ કરી છે. ગઈ કાલે આરોપી ચોરીને અંજામ આપી રહ્યો હતો એ દરમિયાન રંગેહાથ પકડવામાં આવ્યો હતો.

ગઈ કાલે દાદર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર ફરિયાદી તુષાર ટંડેલ માહિમ તરફ જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ટ્રેનમાં ચડતી વખતે કોઈ અજાણી વ્યક્તિએ તેના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી લીધો હતો. એની જાણ થતાં તેણે તરત જ આરોપી અશોક મંગલીને પકડ્યો હતો. આરોપી ભાગવા જાય એ પહેલાં તેને સ્ટેશન પર રહેલા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતાં આરોપી પાસેથી તુષારનો મોબાઇલ મળી આવ્યો હતો.

મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એમ. ઇનામદારે ‘મિડ-ડેને’ કહ્યું હતું કે ‘આરોપીને તાબામાં લીધા પછી તેની પાસેથી ચોરીનો વધુ એક મોબાઇલ મળી આવ્યો હતો. તેના પર આ પહેલાં મોબાઇલચોરીના ૧૬ કેસ હોવાનું અમને જાણવા મળ્યું છે. અમારી વધુ તપાસ ચાલુ છે.’

mumbai mumbai news dadar Crime News mumbai crime news mumbai police