અમારી આડે આવશે તેની છાતી પર પગ મૂકીને આગળ વધીશું ​: ઉદ્ધવ

26 October, 2020 12:00 PM IST  |  Mumbai | Mumbai Correspondent

અમારી આડે આવશે તેની છાતી પર પગ મૂકીને આગળ વધીશું ​: ઉદ્ધવ

મુખ્ય પ્રધાન બન્યા બાદ પહેલી વખત શિવસેનાની ઐતિહાસિક દશેરા-રૅલીને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરે.

શિવસેનાની પરંપરાગત દશેરા-રૅલીમાં શિવાજી પાર્ક પર મોટી સંખ્યામાં એના સમર્થકો અને શિવસૈનિકો આવે છે, પણ આ વખતે કોરોનાને કારણે જાહેર કાર્યક્રમો પર બંધી હોવાથી શિવસેનાપ્રમુખ અને રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે શિવસૈનિકો અને તેમના સમર્થકોને ઑનલાઇન સંબોધન કર્યું હતું, જેમાં તેમણે તેમના એક સમયના સાથીપક્ષ અને હાલના વિરોધ પક્ષ બીજેપીને ચાબખા મારતાં કહ્યું હતું કે શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના હિન્દુત્વમાં અને તમારા હિન્દુત્વમાં જમીન-આસમાનનો ફરક છે. બાબરી તોડી પડાઈ ત્યારે કોણ છુપાઈને બેઠું હતું? અમારું હિન્દુત્વ બોદું નથી.

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાન બન્યો ત્યાર બાદ આ પહેલી દશેરા-રૅલી છે. દર વખતે શિવાજી પાર્ક પર આ રૅલી યોજાય છે, અમારી રૅલી ક્યારેય સભાગૃહમાં થતી નથી, એ માટે શિવાજી પાર્ક પણ નાનું પડતું હોય છે. હું મુખ્ય પ્રધાન બન્યા પછી અનેક લોકો સરકાર પાડવા પાછળ પડ્યા છે. હું અહીંથી આહ્‍વાન કરું છું કે હિમ્મત હોય તો સરકાર પાડી બતાવો. અમારી આડા ઊતરશે તેને અમે આડા પાડીને તેની છાતી પર પગ મૂકીને ગૂઢી ઉભારી અમે આગળ વધીશું. વિચારોનું સોનું લઈને અમે આગળ વધી રહ્યા છીએ. દેડકાના બચ્ચાએ વાઘને જોયો છે. વાઘનાં સંતાનો છીએ, જો છંછેડશો તો પસ્તાશો. ઔરંગઝેબને આ મહારાષ્ટ્રની ધરતીએ પરાસ્ત કર્યો છે. મંદિરો ખોલ્યાં નહીં એટલે અમારા હિન્દુત્વ સામે સવાલો થઈ રહ્યા છે.

ગાય મરે અને માતા જીવે એવું અમારું હિન્દુત્વ નથી. ગોવામાં ગોવંશ હત્યાનો કાયદો કેમ નથી? ગાય એટલે માતા અને તમે ત્યાં જઈ એને જ ખાઓ છો. જો શિવસેનાપ્રમુખ ન હોત તો મુંબઈ બચી ન હોત. કાળી ટોપી નીચે જો મગજ હોય તો વિચાર કરો.

મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર તરફથી ૩૮,૦૦૦ કરોડ રૂપિયા આવવાના બાકી છે ત્યારે તમે બીજાં રાજ્યોમાં મફત કોરોનાની રસી વહેંચો છો. જીએસટીના પૈસા એ અમારા હક્કના પૈસા છે, જે કેન્દ્ર સરકાર આપી નથી રહી. મનથી હું અન્ય રાજ્યોને એકત્ર આવવાનું આહવાન કરું છૂં. જો જીએસટી ફેલ ગઈ હોય તો જૂની સિસ્ટમ ફરી ચાલુ કરો. આ દેશ કાંઈ બીજેપીનો નથી.

બીજેપીના રાવસાહેબ દાનવેને સંભળાવતા તેમણે કહ્યું હતું કે દાનવેજી એ બાપ તમારો હશે, મારા બાપ મારા વિચારોમાં છે. મને ભાડોત્રી બાપની જરૂર નથી, તમારો બાપ તમારી પાસે રાખો.

mumbai mumbai news maharashtra uddhav thackeray shiv sena narendra modi bharatiya janata party