કારણ વિના બહાર નીકળશો તો પોલીસ કરશે કાર્યવાહી

06 April, 2021 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાઇટ કરફ્યુની સાથે દિવસમાં પણ મુંબઈ સહિત રાજ્યભરમાં ૧૪૪મી કલમ લાગુ રહેશે

ફાઈલ તસવીર

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વીક-એન્ડ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જે ૩૦ એપ્રિલ સુધી અમલમાં રહેશે. રાત્રિકરફ્યુની સાથે શુક્રવારે રાત્રે ૮ વાગ્યાથી સોમવારે સવારે ૭ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ યોગ્ય કારણ વિના ઘરની બહાર નીકળશે તો તેની સામે પોલીસ એફઆઇઆર નોંધશે.

મુંબઈ પોલીસના પ્રવક્તા અને ડીસીપી ચૈતન્ય એસ. દ્વારા ગઈ કાલે આ સંબંધે આદેશ બહાર પડાયો છે, જેમાં લખવામાં આવ્યું છે કે નાઇટ કરફ્યુની સાથે દિવસમાં પણ મુંબઈ સહિત રાજ્યભરમાં ૧૪૪મી કલમ લાગુ રહેશે. પાંચથી વધુ વ્યક્તિ એક જગ્યાએ જોવા મળશે તો તમામ સામે પગલાં લઈને વ્યક્તિદીઠ ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. આ આદેશનું પાલન કરવા માટે શહેરના તમામ ડેપ્યુટી પોલીસ-કમિશનરોને અધિકાર આપવામાં આવ્યો છે. કરફ્યુ કે ૧૪૪મી કલમનો ભંગ કરનારાઓ સામે આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

coronavirus covid19 lockdown mumbai mumbai news mumbai police