ઉદ્ધવ ઠાકરેએ પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ બોળ્યું છે : સાધ્વી કાંચનગિરિ

19 October, 2021 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરેને ગઈ કાલે મળ્યા બાદ અયોધ્યાનાં સાધ્વીએ મુખ્ય પ્રધાનને બરાબરના ઝાટકી નાખ્યા : દિવાળી બાદ એમએનએસ પ્રમુખ અયોધ્યા જાય એવી શક્યતા : ઉદ્ધવ ઠાકરે સામે સવાલ ઊભો કરવાનો અધિકાર કાંચનગિરિને નથી એમ મેયર કહે છે

રાજ ઠાકરેને ગઈ કાલે મળ્યા સાધ્વી કાંચનગિરિ

અયોધ્યાનાં સાધ્વી કાંચનગિરિએ ગઈ કાલે બાળાસાહેબ ઠાકરેના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેના દાદરમાં આવેલા નિવાસસ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં એમએનએસની હિન્દુત્વ તરફની હિલચાલ થઈ રહી હોવાની ચર્ચા સાધ્વીજીની મુલાકાતથી શરૂ થઈ છે. રાજ ઠાકરેની મુલાકાત પહેલાં સાધ્વીજીએ શિવાજી પાર્કમાં આવેલા શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળે જઈને આદરાંજલિ આપી હતી. રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે વાતચીત દરમ્યાન તેમણે પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે રાજ ઠાકરેને હિન્દુત્વના મુદ્દે વિચારધારા ફાવતી હોય તો એમએનએસને બીજેપી સાથે જવાનું કહ્યું હતું. સાધ્વીજીએ રાજ ઠાકરેને અયોધ્યાની મુલાકાતનું આમંત્રણ આપતાં રાજ ઠાકરે દિવાળી બાદ અયોધ્યા જઈ શકે છે. આ મુલાકાત સમયે સાધ્વીજીની સાથે સૂર્યાચાર્યજી પણ હતા.

રાજ ઠાકરેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સાધ્વી કાંચનગિરિએ કહ્યું હતું કે ‘હિન્દુ રાષ્ટ્ર બાબતે અમારી રાજ ઠાકરે સાથે ચર્ચા થઈ હતી. ઉત્તર ભારતીયોના મુદ્દે પણ વાતચીત થઈ હતી. રાજ ઠાકરેના મનમાં ઉત્તર ભારતીયો વિશે જે કંઈ હતું એ વિશે મેં તેમને કહ્યું હતું. ઉત્તર ભારતીયો પર તેમને પ્રેમ છે. રાજ ઠાકરેએ ડિસેમ્બરમાં અયોધ્યાની મુલાકાતે આવવાનું કહ્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી મુંબઈ આવેલા લોકોએ નિશ્ચિંત રહેવું.’

સાધ્વીજીએ વધુમાં કહ્યું હતું કે ‘હું રાષ્ટ્ર માટે કામ કરું છું. મને રાજકારણમાં કંઈ ખબર નથી પડતી. હિન્દુત્વના મુદ્દા પર વિચારધારા જો જામતી હોય તો એમએનએસએ બીજેપી સાથે જવું જોઈએ. નવું હિન્દુત્વ જન્મી રહ્યું છે જે બ્રિટિશરો કરતાં પણ ભારે પડશે. રાજ ઠાકરેનું અયોધ્યામાં મોટું સ્વાગત કરવામાં આવશે. બધા તેમની સાથે છે. કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે ભારતના જવાનોની લડાઈ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૯ જવાન શહીદ થયા છે. કાશ્મીરની આ સ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે. કાશ્મીર બળી રહ્યું છે એની પાછળ જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીની નીતિ જવાબદાર છે.’

બાળાસાહેબ જે બોલતા હતા એ કરતા હતા

અયોધ્યાનાં સાધ્વી કાંચનગિરિએ શિવસેનાપ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ બોળ્યું હોવાનું કહીને આકરી ટીકા કરી હતી. રાજ ઠાકરેની મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સાધ્વીજીએ કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે વિશે મારે કંઈ પણ કહેવું નથી, કારણ કે તેમણે પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેનું નામ બોળ્યું છે. બાળાસાહેબ જે બોલતા તે તેઓ કરતા. તેઓ હિન્દુવાદી હતા. બાળાસાહેબ વાઘની જેમ હિન્દુઓ માટે બોલતા. ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમો સાથે જઈને પક્ષ બનાવ્યો. આથી હું નારાજ છું. પાલઘરમાં સાધુઓનો જે હત્યાકાંડ થયો હતો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાની આંખ અને કાન બંધ કરી દીધાં હતાં.’

મુંબઈનાં મેયર અને શિવસેનાનાં નેતા કિશોરી પેડણેકરે સાધ્વી કાંચનગિરિની ઉદ્ધવ ઠાકરે બાબતની ટીકાનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘શિવસેનાની હિન્દુત્વ બાબતની ભૂમિકા પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દશેરાની રૅલીમાં સ્પષ્ટ કરી હતી. હિન્દુત્વના નામે નવા હિન્દુ જન્મ લઈ રહ્યા હોવાનો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. બાળાસાહેબના પુત્રે રામજન્મભૂમિ જઈને જે રીતે કામ કર્યું હતું ત્યારે આ કાંચનગિરિ ક્યાં હતાં? બાળાસાહેબના પુત્ર પર આવી રીતે મહારાષ્ટ્રમાં આવીને પ્રશ્નચિહ્ન ઊભો કરવાનો અધિકાર કાંચનગિરિને નથી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હિન્દુઓ પર અન્યાય થઈ રહ્યો હતો ત્યારે આ કાંચનગિરિ ક્યાં હતાં?’

કોણ છે સાધ્વી કાંચનગિરિ?

સાધ્વી કાંચનગિરિનો સંબંધ જૂના અખાડા સાથે છે. તેઓ મહિલા સંત તરીકે વિખ્યાત છે. તેઓ દિલ્હીના સેક્ટર-પાંચમાં વૈશાલી વિસ્તારમાં રહે છે. તેમણે દેશ બચાવો આંદોલન શરૂ કર્યું હતું. ભારત હિન્દુ રાષ્ટ્ર બને એ માટે તેમણે દેશભરમાં પ્રવાસ કર્યો છે. મહાકાલ માનવ સેવા સમિતિના બૅનર નીચે તેઓ આ કામ કરે છે. આ આંદોલનના ભાગરૂપે સાધ્વીજી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિવિધ નેતાઓને મળી રહ્યાં છે. ૧૯૯૧થી તેઓ યુરોપ અને અમેરિકામાં ભારતીય સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યાં છે. મહિલા સશક્તીકરણ અને પુરુષો દ્વારા મહિલાઓ પર કરાતા અત્યાચાર માટે તેઓ કામ કરે છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકો આત્મહત્યાનો પ્રયાસ કરતા હોય છે તેમને યોગ્ય રસ્તો બતાવવાના કામમાં પણ તેઓ છે.

mumbai mumbai news maharashtra navnirman sena raj thackeray uddhav thackeray