26 May, 2025 06:55 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
પુણેમાં એક ન્યુઝ-પોર્ટલના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રૅન્ડને ભૂંસી નાખવાના ઘણા પ્રયાસ થયા છે, પણ ખાતરી રાખો કે એ બન્ને બ્રૅન્ડને એમ ભૂંસી નહીં શકાય.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં મારા દાદા પ્રબોધનકાર ઠાકરેએ મહારાષ્ટ્ર પર પ્રભાવ પાડ્યો હતો. એ પછી બાળાસાહેબ ઠાકરે અને ત્યાર બાદ મારા પિતા શ્રીકાંત ઠાકરેએ સંગીતમાં ડંકો વગાડ્યો હતો. એ પછી મેં અને ઉદ્ધવે છાપ ઊપસાવી. હું કહીશ કે આ બ્રૅન્ડને ભૂંસી નાખવાના ઘણી વાર પ્રયાસ થયા, પણ મહારાષ્ટ્રના રાજકારણમાંથી એને એમ ભૂંસી નહીં શકાય. ટોચના લીડરો બદલાય તો પણ બ્રૅન્ડ ચાલુ જ રહેશે.’
રાજ ઠાકરેએ ૨૦ વર્ષ પહેલાં શિવસેનાથી છેડો ફાડીને પોતાનો નોખો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઊભો કર્યો હતો. જોકે થોડા વખતથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે યુતિ થઈ શકવાની શક્યતાઓએ જોર પકડ્યું છે ત્યારે રાજ ઠાકરે દ્વારા ઠાકરે બ્રૅન્ડ બદલ કરવામાં આવેલું સ્ટેટમેન્ટ બહુ સૂચક હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.