08 May, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરેએ ગઈ કાલે મુંબઈમાં ઑપરેશન સિંદૂર વિશે પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા.
પહલગામમાં ૨૬ હિન્દુ ટૂરિસ્ટોની પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હત્યા કરી એના બદલામાં ભારતે મંગળવારે મોડી રાત્રે ઑપરેશન સિંદૂર કરીને આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કર્યો હતો. ભારતની આ ઍર સ્ટ્રાઇક પર એકેએક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ભારત સરકાર અને આર્મીના પગલાની પ્રશંસા કરવાને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગઈ કાલે ટીકા કરી હતી.
ઍર સ્ટ્રાઇક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘આતંકવાદી હુમલાનો જવાબ યુદ્ધ નથી. અમેરિકામાં જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે એક-એક આતંકવાદીને શોધીને મારી નાખ્યા હતા, કોઈ દેશ સામે યુદ્ધ નહોતું કર્યું. પહલગામમાં આતંકવાદી હુમલો શા માટે કરવામાં આવ્યો એની માહિતી મેળવવી યુદ્ધ કરવા કરતાં વધુ મહત્ત્વની છે. પહલગામમાં આતંકવાદીઓએ ટૂરિસ્ટો પર ગોળીબાર કર્યો હતો ત્યારે વડા પ્રધાન સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. હુમલાની માહિતી મળ્યા બાદ વડા પ્રધાન મુલાકાત પડતી મૂકીને ભારત આવી ગયા. બાદમાં તેઓ બિહાર ગયા. કેરલામાં જઈને અદાણી પોર્ટનું ઉદ્ઘાટન કર્યું તો મુંબઈમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટેની સમિટમાં પણ વડા પ્રધાન પહોંચ્યા હતા. આટલી ગંભીર હાલત હતી ત્યારે વડા પ્રધાન આ કાર્યક્રમોમાં જવાનું ટાળી શક્યા હોત. પહલગામના હુમલા બાદ બધાએ મૉક ડ્રિલ અને ઍર સ્ટ્રાઇક કરવી જરૂરી નહોતી. ઍર સ્ટ્રાઇકને સિંદૂર નામ આપીને ભાવુક થવાની કોઈ જરૂર નથી. આતંકવાદીઓનો ખાતમો કરવા માટે કૉમ્બિંગ ઑપરેશન કરવાની જરૂર છે. સરકારે મૂળ પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. આજે ગલીએ-ગલીએ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, આપણા યુવાનો નશો કરી રહ્યા છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે એ શોધવાની જરૂર છે.’