18 August, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મરાઠા સરદાર રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવારને લંડનમાં આયોજિત ઑક્શનમાંથી ખરીદીને ભારતમાં પરત લાવવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે રાજ્ય સરકારે ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે.
રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલાર આ તલવાર લઈને ૧૮ ઑગસ્ટે સવારે ૧૦ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવશે. ઍરપોર્ટ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તલવાર શણગારેલા રથમાં દાદરની પુ. લ. દેશપાંડે કલા ઍકૅડેમીમાં લઈ જવાશે. એ સમયે બાઇક-રૅલી કાઢવામાં આવશે. પુ. લ. દેશપાંડે કલા ઍકૅડેમીમાં ‘સેના સાહેબ શુભ પરાક્રમ દર્શન’ કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે તલવારનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવશે.
૧૮૧૭માં સીતાબુલડી યુદ્ધ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઝૂંટવેલી આ તલવાર મહારાષ્ટ્ર સરકારે લંડનમાં આયોજિત એક લિલામમાં ૪૭.૧૫ લાખ રૂપિયામાં ખરીદી છે.