25 July, 2025 10:48 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણે જિલ્લાનાં ટૂરિસ્ટ-સ્પૉટ્સ પર મૉન્સૂનની મજા લેવા સહેલાણીઓનાં ધાડાનાં ધાડાં ઊતરી પડતાં હોવાથી તેમની સેફ્ટી જળવાઈ રહે, પર્યાવરણને ઓછું નુકસાન પહોંચે અને ટૂરિસ્ટોની ભીડને કન્ટ્રોલ કરવામાં આસાની રહે એવા ઉદ્દેશ સાથે ટૂરિસ્ટોને ચોક્કસ ટાઇમ-સ્લૉટમાં વહેંચી નાખવા મોબાઇલ ઍપ્લિકેશન વિકસાવવામાં આવી રહી છે. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઍપ્લિકેશન ડેવલપ કરાઈ રહી છે. ટૂરિસ્ટોએ એ સ્પૉટ પર જતાં પહેલાં મોબાઇલ ઍપ્લિકેશનથી બુકિંગ કરાવવાનું રહેશે.
પુણેમાં મુળશી, માવળ, ભોર, રાજગઢ, ખેડ, જુન્નર અને આંબેગાવ સહિત ૨૫ જેટલાં પૉપ્યુલર ટૂરિસ્ટ-સ્પૉટ છે. પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જિતેન્દ્ર દુદીએ આ માટે આગેવાની લઈને ટૂરિસ્ટોને ટાઇમ-સ્લૉટ આપવાનો આઇડિયા મૂક્યો છે. તેમનું કહેવું છે કે એનાથી ભીડ ઓછી થશે. ખાસ કરીને વીક-એન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી પડે છે. પર્યાવરણને ઓછું નુકસાન થાય અને ઍક્સિડન્ટની પણ શક્યતાઓ ઓછી થાય એટલા માટે એમને વહેંચી નાખવા આ ઉપાય અજમાવવામાં આવી રહ્યો છે.