✕

આંદોલકો શિવાજી પાર્ક પહોંચ્યા પણ આંદોલન ન કરી શક્યા; ગણતરીની મિનિટોમાં પોલીસે અટકાયત કરી

12 October, 2026 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે ચાલ્યા રિયા અહિરની વાટે, પોલીસ-બસ રોકી; પોલીસ-સ્ટેશનની અંદર ઠાકરે બંધુઓ, બહાર કાર્યકર્તાઓની ધમાલ; આજથી આંદોલન વધુ તીવ્ર બનાવવાની આદિત્ય ઠાકરેની ચેતવણી

શિવસેના ભવન નજીક પોલીસની બસ પર ચડી, એને રોકતા આદિત્ય ઠાકરે.

દિલ્હીમાં દસમી ઑક્ટોબરના આંદોલનમાં પોલીસે પંક્ચર પાડ્યું અને સાવચેતી રાખીને કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે, પ્રવક્તા સૌરવ દાસ તથા આશુતોષ રાંકા જેવા શીર્ષ નેતૃત્વને ફ્લાઇટમાંથી જ પકડી પાડ્યા ત્યાર પછી મુંબઈમાં દાદરના શિવાજી પાર્કમાં તેમના સમર્થનમાં તથા CJPના આંદોલનને શરૂ રાખવા માટે સતત બીજા દિવસે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. CJP ઉપરાંત શિવસેના UBT ઉપરાંત તેમના અન્ય સમર્થકો પણ એમાં જોડાવા માટે તૈયાર થયા હતા. જોકે બપોરે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં ભીડ જમા થાય એ પહેલાં જ પોલીસે પરવાનગી વગર આંદોલન કરવા માટે જમા થયેલા યુવાસેનાના કાર્યકર્તાઓ સહિત CJPના સમર્થકોને તાબામાં લીધા હતા અને આંદોલન થતું રોકી લીધું હતું.
આંદોલકોના કહેવા મુજબ પોલીસે શિવાજી પાર્ક નજીક ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો અને આંદોલકો શિવાજી પાર્ક પહોંચ્યા કે તરત જ તેમને પકડી લેવામાં આવ્યા હતા. અમુક લોકો આંદોલનમાં જોડાવા નહોતા આવ્યા તેમની પણ અટકાયત કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

MNS, શિવસેના UBT અને CJPએ કર્યો પોલીસ-સ્ટેશનનો ઘેરાવ
વરલીના શિવસેના UBTના વિધાનસભ્ય તથા યુવાસેનાના અધ્યક્ષ-શિવસેના UBTના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્રો આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આક્રમક મોડમાં આવ્યા હતા. આદિત્ય ઠાકરે તથા તેજસ ઠાકરે શિવસેના ભવન નજીક જમા થયેલા યુવાસેનાના કાર્યકર્તાઓની અટક કરીને લઈ જતી પોલીસ-વૅન પર ચડીને રિયા અહિર સ્ટાઇલમાં બસને રોકી લીધી હતી. જ્યારે શિવાજી પાર્કમાં અમિત ઠાકરેએ શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં જઈને આંદોલકોને છોડી મૂકવાની માગણી કરી હતી. 

પોલીસે વરલી, દાદરના શિવાજી પાર્ક અને શિવસેના ભવન સહિતના વિસ્તારોમાંથી આંદોલનમાં સામેલ થવા તૈયાર ૩૦૦ જેટલા લોકોની અટક કરી હતી. જોકે ત્યાર પછી શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં આદિત્ય, અમિત તથા તેજસ ઠાકરે પોલીસ અધિકારીઓ સાથે સાંજના સમયે વાટાઘાટો કરી રહ્યા હતા ત્યારે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનની બહાર તેમના કાર્યકર્તાઓની મોટી ભીડ જમા થઈ હતી અને ભીડ દ્વારા કલાકો સુધી નારેબાજી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ ઇલેક્શન કમિશનર (CEC), કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ આ નારેબાજી કરવામાં આવી રહી હતી. 

શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનની બહાર શિવસેના UBT, MNS ઉપરાંત પછીથી CJPના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને પોલીસનો પણ હુરિયો બોલાવ્યો હતો. ત્યાર પછી આદિત્ય ઠાકરેએ બહાર આવીને પોલીસના જ વાહન ઉપર ચડીને પોલીસ-સ્ટેશનની બહાર જમા થયેલા પોતાના પક્ષના તથા અન્ય પક્ષોના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આંદોલન વધુ ઉગ્ર બનશે એમ કહ્યું હતું. 

જો પોલીસ એક પણ આંદોલનકારીને અડશે તો આખું મુંબઈ બંધ કરાવીશું : આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરેએ આંદોલન પહેલાં જ બધા આંદોલનકારીઓની અટક કરવાની મુંબઈ પોલીસની રણનીતિને વખોડતાં કહ્યું હતું કે ભૂતકાળમાં અમે મુંબઈ પોલીસની ઘણી પ્રશંસા કરી હતી. જોકે હવે મુંબઈ પોલીસ દિલ્હી પોલીસ જેવું વર્તન કરી રહી છે. જો આ જ રીતનું વર્તન કરાશે તો ઠેર-ઠેર આંદોલન થશે. મહારાષ્ટ્રમાં આ આંદોલન ફક્ત સ્થાનિક પોલીસના કારણે પૂરું નહીં થઈ જાય. હું આખા મુંબઈને શિવાજી પાર્કમાં આવવાનું આહ્‍‍વાન કરું છું. જો પોલીસ એકપણ આંદોલનકારીને અડશે તો આખું મુંબઈ બંધ કરાવીશું. જ્યાં સુધી ચીફ ઇલેક્શન કમિશનર (CEC) રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ આંદોલન શરૂ જ રહેશે. તેમણે દાવો કર્યો હતો કે શિવસેના ભવનની બહાર પોલીસની કાર્યવાહી દરમ્યાન મહિલા-કાર્યકર્તાની સાડી પણ ફાડી નાખવામાં આવી હતી. 

હવે MNS ઍક્શનમાં ઊતરશે ઃ અમિત ઠાકરે
અમિત ઠાકરેએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘હવે આવતી કાલથી આ આંદોલનમાં MNS ઊતરશે. જ્યારે MNS નેતા સંદીપ દેશપાંડેએ દાવો કર્યો હતો કે નવરાત્રિ મંડળના સભ્યો દ્વારા CJPના આંદોલનકારીઓ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા. તેમને પૂરેપૂરી કાયદાકીય સહાય આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હોવાનો દાવો સંદીપ દેશપાંડેએ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે આ કઈ પ્રકારની લોકશાહી છે જ્યાં લોકોને આંદોલનની પરવાનગી નથી આપવામાં આવી રહી અને જ્યારે કોઈ લોકો આંદોલન કરવા પહોંચે ત્યારે તેમની અટક કરવામાં આવે છે?

આંદોલનકારી સમજી પોલીસ પકડતાં તબિયત લથડી
CJPના થાણેના કો-ઑર્ડિનેટર કુણાલ કામેકરના કહેવા મુજબ એક નાગરિકને આંદોલનકારી સમજીને તાડદેવ પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જેનાથી ગભરાઈને એ વ્યક્તિને ખેંચ આવી ગઈ અને તેને સ્ટ્રૅચર પર હૉસ્પિટલ લઈ જવાની નોબત આવી હતી.

ઠાકરે બંધુઓની કારના રૂફટૉપ પર વંદે માતરમ્

પોલીસ દ્વારા શિવસેના UBT, યુવાસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) તથા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોને આંદોલન પહેલાં જ તાબામાં લઈ લેવામાં આવ્યા એના વિરોધમાં આદિત્ય ઠાકરે તથા અમિત ઠાકરેએ ગાડી પર ચડીને પોતાના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા તથા વંદે માતરમના નારાઓ લગાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ વર્ષો પછી હાથ મિલાવ્યા ત્યાર બાદ તેમના બન્ને પુત્રો એટલે કે કઝિન ઠાકરે બ્રધર્સ પણ આ રીતે એકસાથે આંદોલન કરતા જોવા મળ્યા હતા.

શિવાજી પાર્કમાં આંટો મારવા ગયેલા અમિત ઠાકરેને થયો પોલીસ-બંદોબસ્તનો કડવો અનુભવ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અમિત ઠાકરે ગઈ કાલે સાંજે શિવાજી પાર્ક પર જસ્ટ આંટો મારવા નીકળ્યા ત્યારે તેમને પોલીસ-બંદોબસ્તનો કડવો અનુભવ થયો હતો. એક પોલીસે તેમને ટપારીને કહ્યું કે અહીં આંટા ન મારવા. એથી અમિત ઠાકરે ભડક્યા હતા અને સીધા પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જને કહ્યું હતું કે ‘આ શું માંડ્યું છે? હવે શું અમારે આંટો મારવા પણ ન નીકળવું? કોઈને બોલાવવાની પોલીસની આ તે કેવી રીત છે?’ 
ત્યાર બાદ અમિત ઠાકરેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘પોલીસ તો કોઈને પણ પકડીને અંદર લઈ જઈ રહી છે. કોઈ વ્યક્તિ ફક્ત કામ માટે કે ફરવા આવે તો તેને પણ આંદોલનકારી સમજીને વૅનમાં જબરદસ્તી બેસાડીને પોલીસ-સ્ટેશન લઈ જવાય છે. આ શું નાટક ચાલ્યું છે? અનેક લોકોને કારણ વગર તાબામાં લીધા છે. અમે મહારાષ્ટ્ર પોલીસનો આદર કરીએ છીએ, પણ આ તે વળી કેવી રીત છે?’

સામાજિક કાર્યકર અંજલિ દમણિયાની શિવાજી પાર્ક પહોંચે એ પહેલાં અટકાયત

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સમર્થનમાં વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા માટે શિવાજી પાર્ક પહોંચેલા સેંકડો લોકોમાં કાર્યકર અંજલિ દમણિયાનો પણ સમાવેશ થતો હતો, જેમની રવિવારે પોલીસે અટકાયત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અંજલિ દમણિયાને મેદાન નજીક રોકવામાં આવ્યાં હતાં અને પ્રાઇવેટ વાહનમાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે હું CJPના સમર્થનમાં શિવાજી પાર્ક પહોંચી ત્યારે સાદા વેશમાં પોલીસ અધિકારીઓ આવ્યા અને મારી અટકાયત કરી. તમામ પોલીસ-કર્મચારીઓ સાદા વેશમાં હતા અને મને ખબર નથી કે તેઓ મને ક્યાં લઈ જઈ રહ્યા છે.’જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે આસપાસના વિસ્તારમાં અટકાયત કરાયેલા મોટા ભાગના લોકોને શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકોને નજીકનાં પોલીસ-સ્ટેશનોમાં પણ લઈ જવામાં આવ્યા હતા.

mumbai news mumbai shivaji park mumbai police Crime News mumbai crime news photos aaditya thackeray amit thackeray