સીબીઆઇ નહીં કરી શકે રાજ્ય સરકારની પરવાનગી વગર તપાસ

07 April, 2021 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ દેશમુખની તપાસના વિરોધમાં ઉદ્ધવ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી યાચિકામાં આ દલીલ કરી

અનિલ દેશમુખ

રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના રાજીનામા બાદ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખુદ અનિલ દેશમુખ અને રાજ્ય સરકારે બૉમ્બે હાઈ કોર્ટે સીબીઆઇને તપાસ આપવાના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. અરજીમાં આ પ્રકરણમાં વહેલી તકે સુનાવણી કરવાની વિનંતી કરાઈ છે. આ સાથે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહે લખેલા પત્રમાં પોતાના પર વ્યક્તિગત આરોપ કર્યા છે એના વિરોધમાં પણ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

પરમબીર સિંહે તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખે પોતાને મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો હોવાનો એક પત્ર લખ્યો હતો. આ બાબતની તપાસ કરવા માટે પરમબીર સિંહે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી બાદ ગયા સોમવારે બૉમ્બે હાઈ કોર્ટે આ મામલાની તપાસ સીબીઆઇને ૧૫ દિવસમાં કરીને રિપોર્ટ રજૂ કરવાનો ચુકાદો આપ્યો હતો. જોકે સીબીઆઇ રાજ્ય સરકારની પરવાનગી લીધા વિના મહારાષ્ટ્રમાં કોઈ પણ તપાસ કરી ન શકે એવો નિર્ણય થોડા સમય પહેલાં લેવામાં આવ્યો હતો. આથી અનિલ દેશમુખના મામલામાં સીબીઆઇ ડાયરેક્ટ તપાસ કરી શકશે નહીં એમ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પોતે મુંબઈના પોલીસ કમિશનર હતા ત્યારે તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખે પોતાને મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો હોવાનો એક પત્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પરમબીર સિંહે લખ્યો હતો. મુંબઈના બાર, રેસ્ટોરાં અને પબમાંથી આ રકમ વસૂલ કરવાનો ટાર્ગેટ અપાયો હોવાનું તેમણે પત્રમાં લખ્યું હતું. આ પત્ર જાહેર થતાં ખળભળાટ મચી ગયો હતો. ગંભીર આરોપ મુકાયો હોવા છતાં એનસીપીના સુપ્રીમો શરદ પવારથી લઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એને લઈને કોઈ નિર્ણય નહોતો લીધો. જોકે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટે અનિલ દેશમુખના મામલાની સીબીઆઇ દ્વારા તપાસ કરવાનો આદેશ આપતાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

mumbai mumbai news anil deshmukh uddhav thackeray supreme court