ઢાંકણા વિનાની ગટરમાં હવે પ્રેગ્નન્ટ ગાય પડી

10 January, 2023 09:12 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બે મહિના પહેલાં વિરારમાં ૬૮ વર્ષનાં ગુજરાતી વૃદ્ધાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું : ભાઈંદરના મોર્વા ગામની ઘટનામાં સ્થાનિક રહેવાસીઆએ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી બે કલાકની જહેમત પછી ગાયને બહાર કાઢી

ગટરમાં પડી ગયેલી ગાયને દોરડાથી બાંધીને જેસીબીની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી.

નવી જ બાંધવામાં આવેલી ગટરના કામ માટે સુધરાઈના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરને લોકોએ જવાબદાર ગણાવ્યા

બે મહિના પહેલાં વિરારમાં ૬૮ વર્ષનાં ગુજરાતી વૃદ્ધા કમલાબહેન શાહ ખુલ્લી ગટરમાં પડી જવાથી મૃત્યુ પામ્યાં હોવાની ઘટના હજી તાજી છે ત્યારે ભાઈંદરમાં નવી જ બાંધવામાં આવેલી ગટર પર ઢાંકણું બેસાડાયું ન હોવાથી રવિવારે સાંજે એક પ્રેગ્નન્ટ ગાય પડી જવાની ઘટના બની હતી. મેઇન રોડ પર નવી જ બાંધવામાં આવેલી ગટરનાં ઢાંકણાં બેસાડવામાં આવ્યાં ન હોવાથી આખેઆખી ગાય ગટરમાં પડી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ ફાયર બ્રિબ્રગેડની મદદથી બે કલાકની જહેમતથી ગાયને દોરડાંઓથી બાંધીને બહાર ખેંચીને બચાવી લીધી હતી. લોકોએ આ ઘટના માટે સુધરાઈના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરને જવાબદાર ગણાવ્યા છે અને સંબંધિતો સામે પગલાં લેવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ભાઈંદર-પશ્ચિમમાં ઉત્તન જવા માટેના રસ્તામાં મોર્વા નામનું ગામ આવે છે. અહીં રવિવારે સાંજે એક ગાય નવી જ બાંધવામાં આવેલી ગટરની ઉપર ઢાંકણું ન હોવાથી પડી ગઈ હતી. સ્થાનિક લોકોના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ગાયને ગટરમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

મોર્વા ગામના બાબુ નામના રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગામના મેઇન રોડમાં બાંધવામાં આવેલી ગટરની ઉપર હજી સુધી ઢાંકણાં મૂકવામાં નથી આવ્યાં એટલે રવિવારે સાંજે એક પ્રેગ્નન્ટ ગાય એમાં પડી ગઈ હતી. અમને આ વાતની જાણ થતાં તાત્કાલિક ધોરણે ગાયને બહાર કાઢવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે ગાય મોટી હતી અને ગટરના ઢાંકણા માટેની જગ્યા નાની હતી એટલે ગાયને આખેઆખી બહાર કાઢવાનું મુશ્કેલ લાગતાં જેસીબીની મદદથી ગટરને થોડી તોડવામાં આવી હતી. બાદમાં એક-બે જણ ગટરની અંદર ઊતર્યા હતા અને તેમણે ગાયના શરીરમાં મજબૂતીથી દોરડાં બાંધી દીધાં હતાં. દોરડાં બંધાઈ ગયા બાદ ગાયને જેસીબીની મદદથી ઉપર ખેંચવામાં આવી હતી. બે કલાકની મહેનત બાદ ગાય ગટરની બહાર હેમખેમ નીકળી હતી. આ ઘટના માટે સુધરાઈના સાર્વજનિક બાંધકામ વિભાગના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર જવાબદાર છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત અમે બીએમસીના કમિશનરને કરી છે.’
મોર્વા ગામના અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે ‘અહીં બે વર્ષ પહેલાં જ ગટર બાંધવામાં આવી હોવા છતાં બ્યુટિફિકેશનના નામે ફરી અહીં નવી ગટર બાંધાવાનું કામ કરવામાં આવ્યું છે.

સુધરાઈના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો માત્ર અહીં જ નહીં, આખા મીરા-ભાઈંદરમાં ગટરને ઊંડી અને પહોળી કરવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અમારા જેવા સામાન્ય લોકો જ્યારે આ બાબતે સવાલ કરે છે ત્યારે તેઓ જવાબ નથી આપતા.’

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ આ સંબંધે તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં વિરાર-વેસ્ટમાં આવેલા એમ. બી. એસ્ટેટ વિસ્તારમાં રહેતાં ૬૮ વર્ષનાં ગુજરાતી વૃદ્ધા કમલાબહેન શાહ ઢાંકણા વિનાની ગટરમાં પડી જતાં તેમનું મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના બાદ જણાઈ આવ્યું હતું કે સુધરાઈના અધિકારીઓ અને ગટર બાંધવાનો કૉન્ટ્રૅક્ટ લેનારી કંપની આના માટે જવાબદાર હતી. જોકે આ બનાવને બે મહિના થઈ ગયા હોવા છતાં હજી સુધી કોઈની સામે કાર્યવાહી નથી કરવામાં આવી.

ગટરનાં ઢાંકણાં ચોરાતાં રોકવા માટે ઉપકરણ મુકાશે

મુંબઈ તેમ જ આસપાસના તમામ વિસ્તારોમાં ગટરનાં ઢાંકણાં ચોરી થવાની સમસ્યા છે. મુંબઈ બીએમસીએ ઢાંકણાં ચોરી થવાની તેમ જ ગટર ઓવરફ્લો થાય તો માહિતી મળે એ માટે ગટરના મૅનહોલમાં ડિજિટલ મૉનિટર મૂકવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમમાં એક ઉપકરણની મદદથી ગટરના ઢાંકણાને કોઈ હટાવશે તો બીએમસીના સેન્ટરમાં એની અલર્ટ જશે. એટલું જ નહીં, ખુલ્લી ગટરની આસપાસ કોઈ વ્યક્તિ પહોંચશે તો સાયરન વાગશે. બીએમસીને આ ઉપકરણની મદદથી કોઈ જગ્યાએ ગટર ઓવરફ્લો થઈ ગઈ હોય તો એની પણ માહિતી મળશે. ચોમાસામાં ભારે વરસાદ વખતે ઢાંકણા વિનાની ગટરમાં પડી જવાથી મૃત્યુ પામવાની ઘટનાઓ બને છે એટલે બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ બીએમસીને યુદ્ધના ધોરણે આ સંબંધે સિસ્ટમ શરૂ કરવાની તાકીદ કરી હતી એટલે આ વિશેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીવેજ વૉટર મૅનેજમેન્ટ વિભાગના એન્જિનિયરોએ આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક ઉપકરણ બનાવ્યું છે. શરૂઆતમાં શહેરમાં ૧૪ મૅનહોલમાં ઉપકરણ મૂકવામાં આવશે. એ બરાબર કામ કરી રહ્યું હોવાનું પુરવાર થયા બાદ આખા શહેરના મૅનહોલમાં આવું ઉપકરણ મુકાશે.

mumbai mumbai news bhayander prakash bambhrolia