બાળાસાહેબની રૂમમાં જેમનો કાયમ વિરોધ કરાયો હતો તેઓ આજે સત્તામાં ભાગીદાર

09 February, 2021 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળાસાહેબની રૂમમાં જેમનો કાયમ વિરોધ કરાયો હતો તેઓ આજે સત્તામાં ભાગીદાર

પ્રસાદ લાડ

વિધાનસભાની ચૂંટણી વખતે બીજેપીએ માતોશ્રીમાં બાળાસાહેબ ઠાકરેની રૂમમાં શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવાનું વચન આપ્યું હોવાનો દાવો કરતી શિવસેનાને બીજેપીના વિધાનસભ્ય પ્રસાદ લાડે નિશાના પર લીધા છે

વિધાનસભાની ચૂંટણી વખતે બીજેપીએ માતોશ્રીમાં બાળાસાહેબ ઠાકરેની રૂમમાં શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવાનું વચન આપ્યું હોવાનો દાવો કરતી શિવસેનાને બીજેપીના વિધાનસભ્ય પ્રસાદ લાડે નિશાના પર લીધા છે. શિવસેનાના અરવિંદ સાવંતે બાળાસાહેબ જે રૂમમાં બેસીને મહત્ત્વના નિર્ણય લેતા હતા એમાં જ મુખ્ય પ્રધાન વિશેની ચર્ચા કરાઈ હોવા બાબતે અમે ક્યારેય ખોટું બોલીશું નહીં એમ કહ્યું છે.

અરવિંદ સાવંતને જવાબ આપતાં વિધાનસભ્ય પ્રસાદ લાડે કહ્યું છે કે ‘બાળાસાહેબ ઠાકરેએ જે રૂમમાં બેસીને કાયમ કૉન્ગ્રેસનો વિરોધ કર્યો, શરદ પવારના નેતૃત્વનો વિરોધ કર્યો હતો એ જ રૂમમાં બેસીને એ જ કૉન્ગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરવાનું કામ શિવસેનાએ કર્યું છે. બીજેપી માટે સદ્ગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે દેવ સમાન છે. આથી જે શિવસેનાએ બાળાસાહેબની રૂમમાં બેસીને પોતાની નિષ્ઠા, પક્ષની વિચારધારા, હિન્દુત્વ વેચ્યાં છે એ અરવિંદ સાવંતે બાળાસાહેબની રૂમની વાત ન કરવી જોઈએ.’

શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સતત કહેતા આવ્યા છે કે બંધ કમરામાં મુખ્ય પ્રધાન બાબતે બીજેપી સાથે ચર્ચા થઈ હતી. ગયા વર્ષે કોવિડને લીધે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે નહોતા આવી શક્યા આથી ઉદ્ધવ ઠાકરેને તેમણે જવાબ નહોતો આપ્યો. મહારાષ્ટ્રમાં આવવાની સાથે જ તેમણે આવી કોઈ ચર્ચા ન થઈ હોવાનું કહીને શિવસેના ખોટું બોલી રહી હોવાનો મેસેજ મહારાષ્ટ્રની જનતાને આપીને સ્પષ્ટતા કરી હોવાનો અમને આનંદ છે એમ પ્રસાદ લાડે કહ્યું હતું.

mumbai mumbai news bharatiya janata party congress shiv sena