પુરાવા નષ્ટ થતા હોય ત્યારે મૂક પ્રેક્ષક બનીને ઊભા ન રહી શકીએ

03 August, 2021 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉર્ન ફિલ્મના કેસમાં પકડાયેલા રાજ કુન્દ્રાના કેસમાં મુંબઈ પોલીસે ગઈ કાલે હાઈ કોર્ટને કહ્યું

રાજ કુન્દ્રા

પૉર્ન ફિલ્મ તૈયાર કરીને એનું પ્રસારણ ઍપના માધ્યમથી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમૅન પતિ રાજ કુન્દ્રા અને તેના સહયોગી રાયન થોરપેએ પોલીસની કાર્યવાહીને કોર્ટમાં પડકારી હતી. આ બાબતની સુનાવણી ગઈ કાલે પૂરી થયા બાદ બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો રિઝર્વ રાખ્યો હતો.

આરોપીઓની ધરપકડ કરનારી મુંબઈ પોલીસે ગઈ કાલે કોર્ટમાં દલીલ કરી હતી કે પૉર્નના આ મામલામાં આરોપી રાજ કુન્દ્રા સહયોગ ન કરી રહ્યા હોવાની સાથે તેણે પુરાવા નષ્ટ કર્યા હતા એટલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપીના વકીલે પોલીસના દાવાને નકારી કાઢ્યો હતો.

બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસે ધરપકડ કરતાં પહેલાં નિયમોનું પાલન નહોતું કર્યું. આથી આ કાર્યવાહી ગેરકાયદે છે. મૅજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા બન્ને ઑર્ડરને રદ કરીને બન્નેને તાત્કાલિક ધોરણે રિલીઝ કરવામાં આવે એવી અરજી આરોપીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે. જોકે કોર્ટમાં પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતું કે આરોપીને પકડવો જરૂરી હતો, કારણ કે તે મહત્ત્વના પુરાવાઓનો નાશ કરી રહ્યો હતો. જો આરોપી પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરતો હોય ત્યારે તપાસકર્તા મૂક પ્રેક્ષક બનીને ઊભા રહી શકે? જો આરોપી તપાસમાં સહકાર ન કરતો હોય તો તપાસકર્તા મૂક પ્રેક્ષક ન બની શકે એવું મુંબઈ પોલીસે કોર્ટને કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈ અને તેની આઇટી કંપનીના હેડ રાયન થોરપેની બીજા દિવસે એટલે કે ૨૦ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે બન્ને જેલમાં જુડિશ્યલ કસ્ટડી હેઠળ છે.

સરકારી વકીલ અરુણા કામત પૈએ જસ્ટિસ એ. એસ. ગડકરીની સિંગલ બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે પોલીસે સેક્શન ૪૧એ હેઠળ બન્ને આરોપીઓની ધરપકડ કરતાં પહેલાં નોટિસો મોકલવામાં આવી હતી. રાજ કુન્દ્રાએ નોટિસ નહોતી સ્વીકારી, જ્યારે રાયન થોરપેએ સ્વીકારી હતી. પોલીસે ૧૯ જુલાઈએ રાજ કુન્દ્રાની ઑફિસમાં કાર્યવાહી કરી હતી ત્યારે બન્ને આરોપી વૉટ્સઍપમાં કેટલીક ચૅટ ડિલીટ કરતા જોવા મળ્યા હતા. તેમણે કેટલી ચૅટ ડિલીટ કરી હતી એની પોલીસ તપાસ કરી રહી છે. આ સિવાય પોલીસની કાર્યવાહી સમયે તેમણે જરાય સહયોગ ન આપતાં તેમની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો પૂરી થયા બાદ ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. દરમ્યાન ગયા વર્ષે મુંબઈ પોલીસે આ જ પ્રકારનો કેસ નોંધ્યા બાદ ધરપકડથી બચવા માટે કરેલી અરજીની ગઈ કાલે સુનાવણી બાદ સેશન્સ કોર્ટે પણ ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. સેશન્સ કોર્ટ આગોતરા જામીન મેળવવા માટેનો ચુકાદો ૭ ઑગસ્ટે આપશે.

mumbai mumbai news mumbai police mumbai high court raj kundra