ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા ગયેલા પોલીસને જ મળી પોલીસ તરફથી જાનથી મારી નાખવાની ધમકી

18 September, 2021 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસના મેઇન કન્ટ્રોલ રૂમમાં કાર્યરત હેડ કૉન્સ્ટેબલે કર્યો ધડાકો : આવતા અઠવાડિયે હાઈ કોર્ટમાં કરશે યાચિકા દાખલ

કૉન્સ્ટેબલ સુનીલ ટોકે

મુંબઈ પોલીસના મેઇન કન્ટ્રોલ વિભાગમાં કાર્યરત હેડ કૉન્સ્ટેબલ સુનીલ ટોકેએ થાણે અને નવી મુંબઈના ટ્રાફિક વિભાગમાં મોટા ભ્રષ્ટાચાર થતા હોવાના પુરાવા સાથે પોલીસ કમિશનરને ફરિયાદ આપી હતી. આ પુરાવામાં કેટલાક વિડિયો સાથે બોગસ પાવતીઓ પણ આપી હતી. જે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી તે અધિકારીઓએ કૉન્સ્ટેબલને અલગ-અલગ માધ્યમથી જાનથી મારવાની ધમકી આપી હતી. એટલે કૉન્સ્ટેબલ સુનીલ ટોકેએ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન પાસે સેફ્ટીની માગણી કરી છે.

રાજ્યના પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી કેટલાક અધિકારીઓની બદલી તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે. મુંબઈ મેઇન કન્ટ્રોલમાં કાર્યરત હેડ કૉન્સ્ટેબલ સુનીલ ટોકેએ થાણે અને નવી મુંબઈમાં ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર વિશે તપાસ કરીને કેટલાક વિડિયો અને ટોઇંગ વિભાગની બોગસ પાવતીઓ થાણે અને નવી મુંબઈના પોલીસ કમિશનરને ફરિયાદરૂપે આપી હતી. એ ફરિયાદ આવ્યા બાદ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. જોકે જે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી એ અધિકારીઓએ અલગ-અલગ માધ્યમથી કૉન્સ્ટેબલ સુનીલને ધમકાવીને જાનથી મારવાની ધમકીઓ આપી હતી. આ ધમકીઓ આવતાં કૉન્સ્ટેબલ સુનીલે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને પોતાની સેફ્ટી માટે પત્રો આપ્યા છે.

ભ્રષ્ટાચાર વિશે વધુ માહિતી આપતાં કૉન્સ્ટેબલ સુનીલ ટોકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે ટ્રાફિક વિભાગના મોટા અધિકારીઓથી નીચેના અધિકારીઓ બધા જ ભ્રષ્ટાચારમાં સામેલ છે. થાણે ટ્રાફિક વિભાગના સિનિયર અધિકારીઓ એટલી હદ સુધી ભ્રષ્ટાચાર કરે છે કે કેટલાક અધિકારીઓની પાંચ વર્ષ થયાં હોવા છતાં ટ્રાન્સફર થતી નથી. એ સાથે નીચેના માધ્યમથી મળતા મોટા પૈસામાં તેઓ બિન્દાસ રીતે ભ્રષ્ટાચાર કરે છે. આ ભ્રષ્ટાચાર બાબતે હું આવતા અઠવાડિયે હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરવાનો છું અને મારી પાસે રહેલા પુરાવા પણ હાઈ કોર્ટમાં આપવાનો છું.’

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police thane navi mumbai