મહાપૂરના બહાને લોકોને છેતરવાના કેસમાં પોલીસની સામે નવા ૧૦૦ ફરિયાદીઓ આવ્યા

10 January, 2023 08:54 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મીરા રોડના નયાનગરમાં પોલીસ-કસ્ટડી પૂરી થવાથી કોર્ટે આરોપીને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો

આરોપી એહસાન ગફાર રાજપૂત

૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈમાં થયેલા જળબંબાકારમાં કાંદિવલીના ચારકોપ વિસ્તારનાં કેટલાંક ઝૂંપડા વહી ગયાં હતાં. આ ઝૂંપડાંમાં રહેતા લોકો સહિત ૨૦૦૦ જેટલા લોકોને અહીં બાંધવામાં આવનારી મ્હાડાની ઇમારતમાં છથી આઠ લાખ રૂપિયામાં ૩૦૦ ચોરસફીટનાં મકાન આપવાની લાલચ આપીને રૂપિયા પડાવવાના આરોપસર મીરા રોડની નયાનગર પોલીસે એહસાન ગફાર રાજપૂત નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ થયા બાદ આ મામલામાં માત્ર નયાનગર પોલીસ સ્ટેશનમાં જ આરોપીથી છેતરાયેલા ૧૦૦ જેટલા લોકોએ નિવેદન નોંધાવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આટલા લોકો પાસેથી આરોપીએ કથિત રીતે દોઢથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.

બેવારસ મિલકતો પડાવવાની સાથે સસ્તામાં મ્હાડાના ફલૅટ આપવાના નામે ૨૦૦૦ જેટલા લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવેલા મીરા રોડના એહસાન ગફાર રાજપૂતની નયાનગર પોલીસ સ્ટેશનમાં અગિયાર દિવસની પોલીસ-કસ્ટડી ગઈ કાલે પૂરી થઈ હતી. આટલા દિવસમાં ૧૦૦ જેટલા લોકોએ નયાનગર પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમનાં નિવેદન લેવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

નયાનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બેવારસ મિકલતો હડપવાના કેસમાં અમે એહસાન ગફાર રાજપૂતની જુલાઈ મહિનામાં ધરપકડ કરી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ જામીન મળતાં તે ઉત્તર પ્રદેશ તેના વતન ભાગી ગયો હતો. બાદમાં સસ્તામાં મ્હાડાના ફ્લૅટ અપાવવાના નામે મીરા રોડના મુનાવર ખાન સહિતના અનેક લોકો સાથે આરોપી એહસાન રાજપૂતે ચીટિંગ કરી હોવાની જાણ થતાં અમે તેની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી હતી. પાંચ અને છ દિવસ મળીને કુલ અગિયાર દિવસની કોર્ટમાંથી પોલીસ-કસ્ટડી મેળવીને તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધી ૧૦૦ જેટલા લોકો આગળ આવ્યા છે. દરરોજ ૧૫થી ૨૦ લોકોનાં નિવેદન લેવામાં આવી રહ્યાં છે. આ તો નયાનગર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા લોકો છે. મુંબઈમાં મોટી સંખ્યામાં લોકોએ આરોપીને મ્હાડાના ફ્લૅટ મેળવવા માટે રૂપિયા આપ્યા હોવાની શક્યતા છે. પોલીસ-કસ્ટડી પૂરી થવાથી એહસાન રાજપૂતને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ કોર્ટે આપ્યો છે.’

mumbai mumbai news mumbai floods prakash bambhrolia